________________
જ
એ કેટલા મીઠા-મધુરા સપનાઓ લઇ તમારી પાસે આવી છે ? એ સંસારજીવનમાં ડગલા માંડે એના પહેલાં જ એના સપના ચૂર-ચૂર કરી નાખવા છે ? જો આવું જ કરવું હતું તો લગ્ન કર્યા શા માટે ? લગ્નની પણ કોઇ જવાબદારી ખરી કે નહિ ? જવાબદારીનું પોટલું મૂકીને ભાગી છુટવું
એ ભાગેડુ વૃત્તિ નથી ? પલાયનવાદ નથી ? આવા પલાયનવાદને ધર્મ કહીશું તો અધર્મ કોને કહીશું ?”
“તમારા જેવા ધર્મપ્રેમી આમ કહેશે તો બીજે ક્યાં આશા રાખવી ? સંયમ છોડીને સંસાર તરફ ડગ માંડવા એ જ પલાયનવાદ છે. સંયમ તરફના પ્રયાણને પલાયનવાદ કહેવો કે ભાગેડુવૃત્તિ કહેવી એ સૂર્યને અંધકાર કહેવા બરાબર છે. હવે રહી વાત મનોરમાની. સૌ પ્રથમ, મનોરમા સતી છે કે અસતી ? સતી હોય તો પતિના પગલે ચાલવાની ફરજ ખરી કે નહિ ? જો અસતી હોય તો તેનું તે જાણે.”
ધગધગતા આગના ગોળા જેવી વૈરાગ્ય-ઝરતી વાણી અમે બંને ભાઇ-બહેન સાંભળી રહ્યા. એમાં પણ સતી કે અસતી'ના વાક્યે તો મનમાં જબરદસ્ત ઘમ્મરવલોણું શરૂ કરી દીધું. મારા માટે વિકલ્પરૂપે પણ ‘અસતી’ શબ્દનો પ્રયોગ શા માટે ? ઇભ્રવાહનની પુત્રી હું અસતી ? ના... એવું કદી જ ન બની શકે. એવા શબ્દના પ્રયોગમાં પણ મારું અપમાન છે. પતિનો જે વિચાર તે મારો વિચાર ! પતિની ઇચ્છા તે મારી ઇચ્છા ! પતિનો માર્ગ તે મારો માર્ગ ! એમાં બીજો વિકલ્પ જ કર્યો ? જો મારા પતિદેવ દીક્ષા લેશે તો હું પણ લેવાની જ - હું મનોમન બોલી રહી. અમે બધા વસંતશૈલ પર્વત પર ચડી રહ્યા હતા અને ત્યારે અમારો આ રીતે વાર્તાલાપ ચાલી રહ્યો હતો.
મારો ભાઇ ઉદયસુંદર તો હજુ એમ જ માનતો હતો કે આ તો બધી વાતો છે. વાતોના વડાથી કાંઇ વળે નહિ.
પણ... મારા પતિદેવે તો કમાલ કરી. મુનિ પાસે જઇ દર્શન-વંદન કરી, ધર્મ સાંભળી સીધી દીક્ષાની જ માંગણી કરી.
ઉદયસુંદરે કહ્યું : ‘અરે જીજાજી ! રહેવા દો ! હું તો મજાક કરતો હતો. મજાકને હળવાશથી લો.'
આત્મ કથાઓ • ૨૨૦
‘તમારી મજાક ડાહ્યાની છે કે ગાંડાની ? ડાહ્યો માણસ મજાકમાં પણ જે બોલે તે પણ વજ્રના ટાંકણે લખાય.'
ઉદયસુંદરના અંતરને જોરદાર ધક્કો લાગ્યો એ બોલી ઉઠ્યો : ભલે ત્યારે. તમે જો દીક્ષા લેતા હો તો હું પણ લઇશ.
પતિ અને ભાઇને દીક્ષા લેતા જોઇ કઇ સ્ત્રી એમને એમ બેસી રહે ? હું પણ દીક્ષા માટે તૈયાર થઇ ગઇ. અમને ત્રણેયને દીક્ષા લેતા જોઇ અમને મૂકવા આવેલા પચ્ચીસ રાજકુમારો પણ દીક્ષા લેવા તૈયાર થઇ ગયા. વૈરાગ્યમાં વિલંબ કેવો ? અમે બધાએ ત્યાં ને ત્યાં જ ટેકરી પર રહેલ ગુણસાગર મુનિ પાસે દીક્ષા લઇ લીધી.
તમને જાણીને આશ્ચર્ય થશે : દીક્ષા લઇને મને કદી વિચાર આવ્યો નથી : હાય ! હાય ! મારા બધા સપના ચકનાચૂર થઇ ગયા ! મારા બધા જ મનોરથો માટીમાં મળી ગયા ! ઊલટું, હું હંમેશ આનંદમાં જ રહી : ‘ઓહ ! કેવી હું ભાગ્યશાળી ! મને કેવા ઉત્તમ પતિ મળ્યા... જેમના પગલે-પગલે ડગલા માંડવાથી મારું પણ આત્મકલ્યાણ થઇ ગયું !' વિશ્વને પણ ખબર પડી : ‘સતીનું સતીત્વ, પતિને અનુસરણ કરવાનું દૃઢત્ત્વ કેટલું ઉચ્ચ હોય છે ?’ કોઇ એમ નહીં સમજતાં : ‘અહીં પ્રેમનો
ક્ષય થયો છે. નહિ, ખરેખર તો અહીં જ પ્રેમ પૂર્ણતાને પામ્યો છે. બે શરીર મળે તે કામ છે. બે મન મળે તે પ્રેમ છે ને બે આત્મા મળે તે ભક્તિ છે. કામથી પ્રેમ ને પ્રેમથી ભક્તિ સૂક્ષ્મ છે. જેમ જેમ સૂક્ષ્મતા આવતી જાય તેમ તેમ પ્રેમ પવિત્ર બનતો જાય, અપાર્થિવ બનતો જાય. પાર્થિવ પ્રેમમાં જ સર્વસ્વ માનનારાઓ માટે અપાર્થિવની કલ્પના મુશ્કેલ લાગશે, પણ એવું બની શકે છે, એટલી વાત તો મારા દૃષ્ટાંતથી સહુએ સ્વીકારવી જ રહી.
જ
પરકાય - પ્રવેશ ૦ ૨૨૧