________________
વીર ! મધુરી વાણી તારી
એ કોઈ તો બતાડશો?
પરમાત્માએ પ્રત્યેકને પોતામાં વસાવ્યા હતા. આજે પરમાત્માને પરમાત્માની આજ્ઞાને-આપણે સહુ ભેગા મળીને ય ક્યાંય નહિ વસાવી શકીએ?
સર્વને પોતામાં વસાવનારને સર્વ ભેગા મળીને ય વસાવી નથી શકતા? આ જ આપણા ધાર્મિક જીવનની કરુણતાની પરાકાષ્ટા કહેવાય.
ચાલો.. મૂળ વાત ઉપર આવીએ. જિનાજ્ઞા એટલે જિનાગમઃ
આજ્ઞા એટલે આગમ.
જગતના સર્વ પદાર્થોનો બોધ જેની મર્યાદામાં આવી જાય છે તે જિનાગમ એ જ જિનાજ્ઞા.
જિનની આજ્ઞા શું છે એ જાણવા જિનનું આગમ જોવું પડશે.
જિના આગમો શું છે? અમારા માટે એમની શી આજ્ઞા છે એ જાણવા જિનાગમોના જ્ઞાતા-ગીતાર્થના શરણે જવું પડશે. આવી શરણાગતિ પણ હૃદયની ઉત્કટ જિજ્ઞાસાપૂર્વકની હોવી જોઈએ. યા ઉત્કટતા વિના ગુરુ પાસે જનારા, ગ્રંથોને જાતે જ વાંચી લેનારા સહુ જિનાજ્ઞાનું વિપરીત દર્શન કરીને પોતાની જાતને જબ્બર આઘાત પહોંચાડી દે છે.
જિનાજ્ઞા સાથે સ્વપ્ન ય ચેડા ન કરશો ?
જિનાજ્ઞાને બેવફા બની જનાર સ્વચ્છંદી આત્માઓ પોતાને અને પોતાના આશ્રિતોને અવશ્ય ઉન્માર્ગે લઈ જાય છે. જિનાજ્ઞાની બેવફાઈ એ એવું ભયાનક પાપ છે જે પોતાનો પરચો ગમે તે રીતે બતાવ્યા વિના જંપતું નથી. કાં તો એ આત્માને માન-સન્માનથી ભ્રષ્ટ કરે, કાં તો શીલથી ભ્રષ્ટ કરે, કાં તો શરીરના આરોગ્યથી ખતમ કરે અને એવા પાપકર્મોના અઘોર ઉદયવાલા આત્માઓ જો સાધુવેષમાં જ રહી જાય તો તો એ જ્યાં જાય-ત્યાં કલેશાદિની આગ લગાડે.
અંગારો તો જ્યાં અડે ત્યાં આગ જ લાગે ને?
બહેતર છે કે જિનાજ્ઞાને બેવફા બનનારા આત્માઓ ગૃહસ્થ બની જાય. જેથી જાત જ સળગી ઊઠે. જગતનો બચાવ થઈ જાય. એવા લોકો જગતના હિત ખાતર પણ ઘરબારી થઈ જાય એ ખૂબ જ જરૂરનું છે.