________________
વીર ! મધુરી વાણી તારી
કહેવાય. આ વાત ત્રીજા શ્લોકના પ્રથમ પાદમાં થઈ.
આપણે એ મહાદેવની ભવાતીત (વિદેહ મુક્ત) અવસ્થાની વિશિષ્ટતા જોઈએ. આ અવસ્થામાં તેઓ શાશ્વત સુખના સ્વામી બને છે, સર્વ કર્મમુક્ત બને છે,
અને અશરીરી બને છે.
૪૭
(૧) શાશ્વત સુખનું સ્વામિત્વ :
સુખ બે જાતના. ભાડુત અને અસલી માલિકીનું. જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી ભગવાન યશોવિજયજી મહારાજે કહ્યું છે કે જગતના સુખ એટલે પડોશીને ત્યાંથી માંગી લાવેલા અલંકારને પહેરીને તેમાં આનંદ માણવાના સુખ.
જગતનું કોઈ પણ સુખ લાવો. બધું ય ભાડુતી છે ! પરાયી વસ્તુના ભોગનું એ સુખ છે.
આત્મા ચેતન છે. એના જ્ઞાનાદિ ગુણો છે. એનો જ એ માલિક છે. આત્માને વળગી પડેલા કર્મો આત્માના નથી. શુભ કર્મોના ઉદયોથી ઉત્પન્ન થતું સુખ પણ આત્માનું નથી.
‘ક્વીનમેરી’ મોટ૨ને એક અબજોપતિ માણસ પોતાની માને છે. વસ્તુતઃ એ તો છે એના જડકર્મની માલિકીની ચીજ.
એનો માનેલો પુત્રાદિ પરિવાર, એની માનેલી ધન વગેરેની સમૃદ્ધિ પણ એની નથી. માટે જ તો એ એના હાથમાંથી ગમે તે પળે ગમે ત્યાં સરકી જાય છે. અને એ પોક મૂકીને રડે છે.
કર્મની એ ચીજો ઉપર પોતાની માલિકીનો દાવો કરવો એ જ આ જગતનું મોટામાં મોટું અજ્ઞાન છે. એ અજ્ઞાન જ આ જગતના સર્વ દુઃખનું મૂળ છે. જ્ઞાનાદિગુણો સિવાય મારું કાંઈ જ નથી. રે! આ દેહ પણ મારો નથી એવી સત્યની નક્કર ભૂમિકા ઉપર જે સંતો ઊભા રહે છે એઓ કોઈપણ દુઃખની અનુભૂતિ કરતા નથી. દેહાદિના સુખને એઓ પોતીકા માનતા નથી તેમ દેહાદિના દુઃખને ય પોતીક માનતા નથી. એથી જ એના સુખ દુઃખમાં તેઓ સદા નિર્લેપ રહે છે. દેહ ઉપર ચંદનના લેપ થાઓ કે તરવારના ઘા પડો! બધું ય સમાન!
પરાયી ચીજની ઉપર માલિકીનો દાવો કરવો એ જ પાપ!
જે આ માલિકીનો દાવો કરતાં નથી એ પરાયી ચીજનાં શણગારમાં કે ભડકામાં લેશ પણ નિસ્બત ધરાવતા નથી.