________________
વીર ! મધુરી વાણી તારી
૧૯૫
નારક બનાવીને પળે પળે કરુણ ચિચિઆરીઓ પડાવનાર, એને દેવ બનાવીને ઈર્ષ્યાના રાક્ષસી હુતાશનમાં જીવતોને જીવતો હજારો-લાખો રે! અસંક્ય વર્ષો સુધી સળગાવ્યા જ કરનાર, એને માનવ બનાવીને સંપત્તિમાન બનાવીને ક્રૂર પાપો કરાવીને અંધિયારી નરકમાં ધોળે દહાડે નાગો ધકેલી મૂકનાર એક માત્ર કર્મ છે. એ જ શત્રુ છે.
ધર્મધ્યાનનો અગ્નિ ચેતવી દઈને, સદુભાવનાની-આહૂતિનો પ્રક્ષેપ કરી દઈને ભડભડ જલતાં એ અગ્નિમાં આ શત્રુને ઊભો ને ઊભો સળગાવી મારો... જરા પણ વિલંબ હવે કરવા જેવો નથી. જો ચૂક્યા તો જીવને એ સળગાવી જ મારશે.
આર્તધ્યાનાદિનો અગ્નિ એની પાસે તૈયાર છે, અશુભ ભાવનાઓની આહૂતિનો એણે પ્રક્ષેપ પણ કરી દીધો છે. જીવાત્મા જ્યારે જ્યારે ઝોકું ખાઈ જાય છે ત્યારે ત્યારે આ રાક્ષસ એને ઊંચકીને પકે છે અગ્નિકુંડમાં!
કાં જલાવી નાંખો! કાં તો જલવાની તૈયારી રાખો...
કર્મપિશાચના પિશાચી સ્વરૂપનો જેને ખ્યાલ આવી જાય છે, તેના કટૂવિષાકો જેની નજરે ચડી જાય છે, જિનાજ્ઞાના રામબાણ ઈલમોની જેને ખબર પડી જાય છે, અને હવે જો જરાક ચૂકે તો જગતમાં કયા કયા ખૂણે કેવી કેવી રીતે ઊભા ને ઊભા પછડાવાનું છે એ વાત પણ જેને સમજાઈ જાય છે.... તે આત્મા પળનો ય વિલંબ કરી શકતો નથી.
જલી જવા એ તૈયાર નથી. જલાવી દેવા સિવાય એ હવે ઝાલ્યો રહી શકતો નથી.
જેણે સંસાર ત્યાગ્યો તેની પાસે આ જ અપેક્ષા રાખી શકાય ને? કર્મના પૂતળા બાળો! કર્મ મુદ્દgબાદ'ના ગગનભેદી અવાજો સાથે સરઘસ કાઢો. એ સરઘસને વિરાટ સભામાં ફેરવી દઈને કર્મશત્રુનો બહિષ્કાર પુકારવાનો સર્વાનુમતે ઠરાવ કરો. જે જે રસ્તેથી એ શત્રુને પોષણ મળતું હોય તે બધા જ રસ્તા બંધ કરો, એની ચીની-તાકાતને તોડવાનો આ એક જ રસ્તો છે, આપણા માટે.
આપણી આ ચળવળમાં અનંત પરમેષ્ઠી ભગવંતોનો આપણને સંપૂર્ણ ટેકો છે. એમના અનુગ્રહનું વિરાટ બળ આપણી સાથે છે. પછી એ માઓવાદી કર્મચીનાને જબ્બે કરવામાં પાછી પાની કરવાની કશી જરૂર નથી.
હિંમતે મર્દા, મદદે ખુદા.
હવન તો આવા લોકોત્તર જ શોભે. લૌકિક હવનોમાં શું બળે? લાકડાં, ઘી અને નિરપરાધી અસંખ્ય જીવો જ ને?