________________
વીર ! મધુરી વાણી તારી
૧૫૯
માટે નથી. પરંતુ પોતાની સરાગદશાને તોડીને પોતાને વીતરાગ બનવા માટે છે.
વીતરાગને પ્રક્ષાલ કરવા દ્વારા સરાગી પોતાના રાગમળોનું પ્રક્ષાલન કરે છે. એ જ રીતે વીતરાગને બહુમૂલ્ય આભૂષણો ચડાવવા દ્વારા સરાગી આત્મા પોતાની ધનાદિ ઉપરની મૂર્છાને ઉતારે છે.
આથી જ તો સર્વજ્ઞશતકમાં પૂ. ધર્મસાગરજી મહારાજાએ પૂજકની ધનાદિની મૂચ્છ ઊતારવા માટે જિનપૂજા કહી છે.
જિનપૂજા કરનારા જે આત્માઓ જિનપૂજા દ્વારા પોતાના ધનાદિની મૂચ્છને ઘસારો આપતા નથી તે પૂજકોની તે જિનપૂજા નિષ્ફળપ્રાયઃ છે તેમ કહી શકાય.
જિનપૂજા પાછળનો આ હેતુ જો બરોબર સમજાઈ જાય તો સ્વદ્રવ્ય જિનપૂજા કરવાનો આગ્રહ ખૂબ જ વધી જવા પામે.
એટલે હવે એ વાત નક્કી થઈ કે સરાગી આત્મા વીતરાગની પૂજા કરવા દ્વારા સ્વયં વીતરાગ બનવાના જીવન તરફ એક કદમ બઢાવે છે.
જરાક કલ્પના કરો કે એક નવયુવાન પોતાની નવોઢાના મસ્તકમાં ગુલાબનું કુલ લગાવી રહ્યો છે, અને બીજો એક ધર્માત્મા પરમાત્માનાં મુગટમાં ગુલાબનું કુલ લગાવી રહ્યો છે. આ બે ય પૂજકોના ભાવમાં કોઈ અંતર ખરું કે નહિ? પ્રિયતમાના અંબોડામાં કુલ લગાડનાર તો મોહના ભડકે બળતા સંસારમાં ઊભો સળગે છે! જ્યારે બીજો નિર્મોહીના શિખરે હરણફાળ ભરે છે.
જમાઈને માટે શિખંડમાં કેસરના તાંતણા નાંખતો કોઈ સસરો ! પરમપિતાના અંગે કેસરના તિલક કરવા, એના તાંતણા ઘસતો ધર્માત્મા!
લગ્નમાં પીતાંબર પહેરતો સંસારી માણસ! અને પૂજામાં પીતાંબર પહેરતો ધાર્મિક માણસ!
ડાઈનીંગરૂમમાં ધૂપસળી પેટાવતો સસરસિક! અને જિનમંદિરમાં ધૂપસળી મહેકાવતો ધર્મરસિક! આ બધામાં કશો ય ફરક નથી શું!
જો વિરાટ અંતર દેખાય છે તો નિર્મોહીની ભક્તિમાં ઘેલાં બનનારાઓ ભક્તિરસની રેલમછેલ બોલાવીને પોતાના દેહ-ધન વગેરેના મમત્વના પાશ ઢીલાં કરી નાંખતા હોય તો તેમાં ખોટું શું છે?
ખંડન કરો; વેણીના કુલનું, શિખંડના કેસરનું, લગ્નની પીતાંબરીનું કે ડાઈનીંગરૂમની ધૂપસળીનું !