________________
૧૫૨
વીર ! મધુરી વાણી તારી
પૂજા કહેવાય છે.
આવા પુષ્પોની પ્રાપ્તિ પાછળ દ્રવ્યમાં નીતિ અને ઔદાર્ય એ ખૂબ જ મહત્વની બાબત છે.
ગમે તે રીતે પુષ્પો મેળવી લેવા અને પછી પૂજા કરી લેવી તે તોપુષ્પપૂજા જ
નથી.
પરંતુ નીતિથી પ્રાપ્ત કરેલું ધન હોય અને એ ધન પણ ઔદાર્ય સાથે જ માળીને આપીને પુષ્પો ખરીદતા હોય... એવા પુષ્પોની પૂજા પણ અશુદ્ધ પુષ્પપૂજા કહેવાય છે; આગળ કહેવાતી શુદ્ધ પુષ્પપૂજાની અપેક્ષાએ ।
નીતિ અને ઔદાર્યને પ્રાયઃ અત્યંત ઘનિષ્ટ સંબંધ છે.
ધન જો નીતિથી પ્રાપ્ત થયું હોય તો તે ધન ઔદાર્ય સાથે જ અન્યત્ર જનારું બની જાય છે.
ઔદાર્યની જનેતા નીતિ છે એમ કહીએ તો સામાન્યતઃ ખોટું નહિ ગણાય.
જેવું ધન તેવું અન્ન, જેવું અન્ન તેવું મન, જેવું મન તેવું જીવન, અને જેવું જીવન તેવી ભવોભવની ઘટમાળ.
ધનમાં નીતિ હોય તો અન્નમાં અમી હોય જ, પછી મનમાં ઔદાર્ય આવે જ, જીવનમાં પાવિત્ર્ય આવે જ, અને ભવ ભવની ઘટમાળમાં મુક્તિો વિચાર કેન્દ્રસ્થાન પામે જ.
પુષ્પ ખરીદીમાં ઔદાર્ય અનિવાર્ય છે કેમકે એ ઔદાર્ય પ્રવચન પ્રભાવનાનો અત્યંત જબ્બર હેતુ બની જાય છે.
પ્રવચનપ્રભાવના જેવો કોઈ ધર્મ નથી.
પ્રવચનહીલના જેવું કોઈ પાપ નથી. આ વાત આગળ ઉપર ગ્રંથકાર પોતે જ આખું અષ્ટક રોકીને આપણને જણાવવાના છે એટલે અહીંતેનું વિશેષ વિવેચન કરવાનુ મુનાસિબ લાગતું નથી.
હવે જો પ્રવચનપ્રભાવના મહાન ધર્મ હોય તો તેનો સાધક ઔદાર્યગુણ પણ મહાન ધર્મ જ બની જાય છે. અને તે ઔદાર્ય ગુણને પામવા માટે નીતિમત્તાનું જીવન અતિશય આવશ્યક બની રહે છે. રે! જ્યાં નીતિનું ધન હશે ત્યાં માત્ર ઔદાર્ય નહિ હોય, સઘળા ય ગુણો હશે. સંપ અને જંપ પણ ત્યાં જ વસતા હશે. સુખ અને શાંતિ પણ ત્યાં જ કિલ્લો કરતાં હશે.