________________
ઉત્સાહ ઃ
સંયમજીવનનું
આગને પ્રગટાવવા માટે તો ચિનગારી ય પર્યાપ્ત છે પરંતુ આગને પ્રજ્વલિત રાખવા તો એમા સતત ઇંધણ નાખતા જ રહેવું પડે છે.
સંયમજીવનની પ્રાપ્તિ કે આરાધનાની શરૂઆત તો મામૂલી પ્રેરણાથી ય થઈ જાય છે પરંતુ એ સંયમજીવનને પ્રસન્નતાસભર રાખવા માટે કે આરાધનાઓનું સાતત્ય જાળવી રાખવા માટે તો મનને સતત ઉત્સાહસભર રાખવું જ પડે છે.
અલબત્ત, ઇંધણ તો બહારથી મળી જાય છે એટલે એને મેળવવામાં બહુ વાંધો નથી આવતો પરંતુ ઉત્સાહ તો અંદરથી પ્રગટાવવો પડે છે અને એટલે જ એના સ્વામી બન્યા રહેવું બહુ મુશ્કેલ છે. છતાં, સંયમજીવનની પ્રાપ્તિને જો આનંદસભર રાખવી છે તો ઉત્સાહના સ્વામી બન્યા જ રહેવું રહ્યું !
મનના જળને નવરાશનું છિદ્ર ન આપશો
ચોક્કસ પાપની કે પ્રમાદની પ્રવૃત્તિ વખતે તો ચોક્કસ પાપવિચારો જ આવે છે પણ નિવૃત્તિકાળમાં તો કયા પાપવિચારો મનની ભૂમિ પર આંટા મારવા નથી લાગતા એ પ્રશ્ન છે.
મન જો આરાધના પ્રેમી ન બન્યું હોય, અપાયભીરુ ન બન્યું હોય, તત્ત્વરુચિવાળું ન બન્યું હોય, શ્રદ્ધાસભર ન બન્યું હોય તો એટલું જ કહીશ કે એને સતત કોક ને કોક શુભયોગમાં જોડેલું જ રાખજો .
સ્વાધ્યાય ન ફાવે તો વૈયાવચ્ચ અને વૈયાવચ્ચ ન ફાવે તો સાંચન. ગાથા ગોખવી ન જામે તો સ્તુતિ-સ્તવન-સજ્ઝાયક્ષેત્રે પુરુષાર્થ. જાપ ન ફાવે તો વાચના અને વાચના ન ફાવે તો પાઠ. ટૂંકમાં, મનરૂપી જળને નવરાશનું છિદ્ર આપો જ નહીં. અશુભકર્મબંધથી ખૂબ બચી જવાશે.