________________
જિનાલયની સાર-સંભાળ કેવી રીતે કરવી? હવે સૂત્રગાથામાં (જે છઠ્ઠી ગાથા પર વિવેચન ચાલે છે, એ ગાથામાં) ‘ઉચિઅચિંતાઓ એ પદ જે છે, તેનો અર્થ વિસ્તાર કરે છે - અહીં દેરાસરમાં પ્રમાર્જન, સફાઇ કરવી, દેરાસરનો જે ભાગ નાશ પામી રહ્યો હોય, એનું અને જે ઉપકરણો નાશ પામી રહ્યા હોય એનું સમારકામ કરવું. પ્રતિમા અને પરિકરપર રહેલું નિર્માલ્ય દૂર કરવું, વિશિષ્ટ પૂજા, દીવાઓ વગેરે દ્વારા શોભા વધારવી, આગળ કહેવાશે એવી આશાતનાઓ અટકાવવી, અક્ષત (ચોખા) નૈવેદ્ય વગેરેઅંગે વિચારવું, ચંદન, કેસર, ધૂપ, દીપક, તેલ વગેરેનો સંગ્રહ કરવો, આગળ કહેવાશે તે દૃષ્ટાંતને નજરમાં રાખી નાશ પામતા દેવદ્રવ્યની રક્ષા કરવી, ત્રણ-ચાર વગેરે આસ્તિકોને સાક્ષીમાં રાખી તે અંગે ઉઘરાણીઓ કરવી, એ દેવદ્રવ્યને યોગ્યસ્થાને પ્રયત્નપૂર્વક રાખવું, એ દ્રવ્ય આપ્યું, આવ્યું, વાપર્યું વગેરે અંગે જાતે કે બીજાઓ દ્વારા સ્પષ્ટ નામું લખી આય-વ્યય વગેરે અંગે ચોખ્ખો હિસાબ રાખવો. દ્રવ્ય આપવું, દ્રવ્ય ઉઘરાવી આવક કરવી વગેરે પ્રવૃત્તિથી એ દેવદ્રવ્ય વધારવું, આવા કાર્યો માટે સારા કર્મચારીઓ રાખવા, એમની (પગાર-પરિવાર અંગે) ચિંતા કરવી. વગેરે દેરાસર આદિ સંબંધી અનેક પ્રકારે ઉચિત ચિંતા કરવાની છે. ઋદ્ધિમાન શ્રાવક આ કાર્યો પોતાના દ્રવ્યથી કે પોતાના નોકરો દ્વારા કરાવી શકે. તેથી તેઓથી આ ઉચિત ચિંતા સહેલાઇથી થઇ શકે. ઋદ્ધિ વિનાનો શ્રાવક પોતાના શરીરથી કે કુટુંબ વગેરે દ્વારા આ ચિંતા કરી શકે. (અર્થાત્ શક્ય કાર્ય જાતે કરે કે કુટુંબવગેરે દ્વારા કરાવી શકે) જેનું જે અંગે જેટલું સામર્થ્ય હોય, એણે એ અંગે એટલો પ્રયત્ન કરવો જોઇએ. જે કાર્ય ઓછા સમયમાં થઇ શકે એમ હોય, એ કાર્ય પૂજાઅંગેની બીજી નિસીહી પહેલા કરી લેવા. બીજા કાર્યો પૂજા વગેરે વિધિપૂર્વક કર્યા પછી પણ યથાયોગ્ય કરી શકે.
આ જ રીતે ધર્મશાળા, ગુરુભગવંત અંગે, જ્ઞાનવગેરે અંગે પણ યથોચિત ચિંતા - કાર્ય કરવા પૂરી શક્તિ વાપરી પ્રયત્ન કરવો. દેવ-ગુરુ વગેરે અંગે શ્રાવકને છોડી બીજો કોણ ચિંતા કરનારો છે? (ચાર બ્રાહ્મણો વચ્ચે એક ગાય દક્ષિણામાં મળી. દરેક બ્રાહ્મણ વારા ફરતી દૂધ લે, પણ ઘાસચારાની ચિંતા બીજો કરશે એમ કરી ઉપેક્ષા કરતો. તેથી ગાય શીધ્ર મરી ગઇ. આમ ઘણા) બ્રાહ્મણો વચ્ચે સાધારણ ગાયની જેમ “આ દેરાસર વગેરે તો સંઘ સાધારણ છે, તેથી બીજો ચિંતા કરશે' એમ વિચારી એ બધાઅંગેની ચિંતામાં ઉપેક્ષાભાવ કે અનાદરભાવ લાવવો જોઇએ નહીં, કેમકે એમ કરવામાં તો સમ્યક્ત્વ છે કે નહીં? એમાં ય સંશય પડવાની આપત્તિ છે. (દઢ સમકતી દેરાસર વગેરેને પોતાના ગણી બધા કાર્યો કરે. જેના સમ્યક્ત્વમાં ખામી હોય, એ જ પરાયાભાવથી બીજાપર ચિંતાભાર ઢોળે.) એ વળી કયા પ્રકારની જિનભક્તિ કહેવાય કે જેમાં ભગવાનની આશાતના વગેરેમાં પણ અત્યંત દુ:ખ થાય નહીં? (ને તેથી એ ટાળવા જાતે સક્રિય પ્રયત્ન પણ કરે નહીં?) લોકમાં પણ સંભળાય છે કે ઈશ્વરની ઉખાડાયેલી આંખ જોઇ અતિ દુ:ખી થયેલા ભીલે પોતાની આંખ ઉખાડી ઈશ્વરને ધરી દીધી. તેથી જ સ્વજન વગેરેના કાર્યો કરતાં પણ અત્યંત આદરભાવથી ચૈત્ય વગેરે અંગેના કાર્યો હંમેશા કરવા જોઇએ. અમે (ગ્રંથકારે) કહ્યું જ છે કે – દેહ, દ્રવ્ય (ધન) અને કુટુંબ અંગે બધા સંસારીઓની રુચિ હોય છે. જિન, જિનમત અને સંઘ અંગે મોક્ષાભિલાષીની રુચિ હોય છે.
ત્રણ પ્રકારની આશાતનાઓ જ્ઞાન, દેવ (જિન) અને ગુરુ વગેરેની આશાતના (૧) જઘન્ય (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ આમ ત્રણ પ્રકારે બતાવી છે. જ્ઞાનની જઘન્ય આશાતના-પુસ્તક. પાટી, ટિપ્પનિકા. જપમાળા (નવકારવાળી)
શ્રાદ્ધવિધિ પ્રકરણ