________________
એ વખતે બાકીની ત્રણ દિશામાંથી આવેલા રાજાઓએ પણ વિદ્યાધરરાજા વિચિત્રગતિ દ્વારા પોત-પોતાની રાજકુમારીઓને વિમાનમાં તેડાવી ધર્મદત્તની સાથે વિવાહ કર્યા. પછી વિદ્યાધર રાજાએ કરેલા દિવ્ય મહોત્સવપૂર્વક ધર્મદત્તે ચારેય રાજકુમારી સાથે પાણિગ્રહણ કર્યું. પછી એ રાજા એને બધા રાજાઓ સાથે વૈતાઢ્ય પર લઇ ગયો. ત્યાં વિશિષ્ટ મહોત્સવપૂર્વક ધર્મદત્તને રાજકુમારી, રાજ્ય અને પાઠસિદ્ધ એક હજાર વિદ્યાઓ આપી. ધર્મદત્ત પણ બીજા વિદ્યાધરોએ આપેલી બીજી પાંચસો કન્યાઓ પણ પરણ્યો. પછી પોતાના નગરે ગયા પછી પૃથ્વીના રાજાઓની પાંચસો કન્યા પણ પરણ્યો. કુલ એક હજાર રાણીઓ થઇ (આમાં પૂર્વની ચાર અને વિચિત્રગતિની પુત્રી પણ ગણી લેવાની.)
એ પછી રાજા રાજધરે વિશિષ્ટ કોટિના મહોત્સવપૂર્વક પોતાનું વિશાલ રાજ્ય પણ વધુ વૃદ્ધિ પામે એ હેતુથી પુત્ર ધર્મદત્તને સોંપ્યું. ફળદ્રુપ ક્ષેત્રમાં વેલડી વાવવાથી તે વધુ સારી રીતે વિકસે છે. પછી રાજધર રાજાએ પણ પ્રીતિમતી રાણી સાથે એ જ ચિત્રગતિ નામના સદ્ગુરુ પાસે દીક્ષા લીધી. પુત્ર રાજ્ય માટે સક્ષમ થઇ ગયા પછી કયો પ્રાજ્ઞ માણસ પોતાના હિતમાં પ્રવૃત્ત નહીં થાય? ધર્મદત્તની રજા લઇ વિચિત્રગતિએ પણ પિતામુનિ પાસે દીક્ષા લીધી. એ પછી પિતામુનિ અને પુત્રમુનિ બંને મોક્ષે ગયા.
ધર્મદત્તે પણ લીલામાત્રમાં એક હજાર દેશના રાજાઓ પાસે પોતાની આજ્ઞા મનાવી. એ દસ દસ હજાર હાથી અને રથનો તથા એક લાખ ઘોડા અને એક કરોડ સેનાનો સ્વામી થયો. ઘણી વિદ્યાઓનો સ્વામી થયો. એક હજાર વિદ્યાધર રાજાઓ એની સેવા કરતા હતા. આમ ઇંદ્રની જેમ દીર્ઘકાળ વિશાળ સામ્રાજ્ય ભોગવ્યું. પૂર્વે પ્રસન્ન થયેલા અને યાદ કરવામાત્રથી હાજર થઇ જતા દેવે ધર્મદત્ત રાજાના રાજ્યની સમગ્ર ભૂમિને મારિ, મરકી, દુકાળ, રોગ વગેરેથી મુક્ત કરીને જાણે કે દેવકુરુક્ષેત્રની ભૂમિ જેવી બનાવી દીધી.
પૂર્વે સહસ્રદળ કમળથી કરેલી જિનપૂજાના પ્રભાવથી આવી સમૃદ્ધિથી સુખમય બની જવા છતાં ધર્મદત્ત પ્રતિદિન, ત્રિકાળ વિધિપૂર્વકની જિનપૂજાવગેરે વિધિમાં અગ્રેસર જ રહ્યો. પોતાના ઉપકારીનું વિશેષથી પોષણ કરવું જોઇએ' એ ન્યાયથી એણે જિનભક્તિનું વિશેષથી પોષણ ક૨વા નવા નવા જિનાલયો બનાવ્યા. એમાં ભવ્ય જિનપ્રતિમાઓ સ્થપાવી. રોજ એ જિનબિંબોની ભવ્ય પૂજા થાય એવા આયોજન કરાવ્યા. તથા તીર્થયાત્રાઓ વગેરેના આયોજન કર્યા. ‘જેવા રાજા તેવી પ્રજા' એ ન્યાયથી આ રાજાની અઢારે વર્ણ પ્રજા પણ પ્રાયઃ જૈન ધર્મનો આશ્રય કરી પોતાના ઉભય (આ અને ૫૨) ભવમાં અભ્યુદય પામી.
ઉચિત સમયે પુત્રને રાજ્ય સોંપી ધર્મદત્તે રાણીઓ સાથે દીક્ષા લીધી. અરિહંત ભક્તિમાં એકાગ્રતા આદિ શુભભાવોથી તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. બે લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી આઠમાં સહસ્રાર દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. મુખ્ય ચાર રાણીઓએ પણ ગણધર નામકર્મ ઉપાર્જન કર્યું. પછી ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકર અને ગણધરો બની એ પાંચે ય મોક્ષે ગયા. કેવો પાંચેયનો સુયોગ સધાયો!
ધર્મદત્ત રાજાની જેમ પરમાત્મભક્તિજન્ય વૈભવને જાણી એ જિનભક્તિમાં સારી વિધિપૂર્વક જોડાવા માટે શુભ ચિત્તવાળા ભવ્યો જીવોએ સતત એકાગ્ર મનવાળા બનવું જોઇએ. આમ વિધિપૂર્વક જિનપૂજા અંગે ધર્મદત્ત રાજાની કથા પૂર્ણ થઇ.
૮૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ