________________
વિજળી વાદળને અનુસરે છે; એમ જિનભક્તિ સમકતી જીવને અનુસરે છે. ગઇ કાલે એને દેરાસરે લઇ ગયા, ત્યારે ભગવાનની પ્રતિમા જોઇને અને પ્રીતિમતી રાણીની - પોતાની માતાની ‘હંસ આવ્યો હતો' વગેરે વાત સાંભળીને તરત એ મૂચ્છિત થઇ ગયો, કારણ કે પૂર્વભવના કાર્યો યાદ કરાવતું જાતિસ્મરણજ્ઞાન ત્યારે એને થયું હતું. એ પછી આ બાળકે “યાવજીવમાટે ભગવાનના દર્શનનમસ્કાર વિના કશું પણ મોઢામાં નાખીશ નહીં' એવો નિયમ પોતાના મનથી જ લઇ લીધો છે.
નિયમ વિના થતાં ધર્મ કરતાં નિયમપૂર્વક થતો ધર્મ અનંતગુણ ચઢિયાતો ગણાય છે. તે આ પ્રમાણે – ધર્મ બે પ્રકારે છે. (૧) નિયમ વિનાનો (૨) નિયમ સહિતનો. પ્રથમ પ્રકારનો ધર્મ દીર્ઘકાળ કર્યો હોય, તો પણ મર્યાદિત અને તે પણ અનિયત ફળ આપનારો બને છે. જ્યારે બીજા પ્રકારનો ધર્મ નાનો હોય, તો પણ અમાપ અને નિયત-ચોક્કસ ફળ આપનારો બને છે. ઘણું ધન પણ આપવા છતાં વ્યાજ વગેરે અંગે કશું કહ્યા વિના અપાય, તો એમાં વ્યાજ વગેરેથી ખાસ વૃદ્ધિ થતી નથી. એ કહીને આપ્યું હોય, તો રોજ વૃદ્ધિ થાય છે. આ જ રીતે ધર્મમાં નિયમ કરવા અંગે સમજવું. શ્રેણિકની જેમ તત્ત્વનો જાણકાર પણ અવિરતિના ઉદયમાં નિયમ લઇ શકતો નથી. નિયમ લીધા પછી પણ આપત્તિ વખતે એ નિયમના પાલનમાં રાખેલી દઢતા અત્યંત નજીકમાં સિદ્ધિ-મોક્ષનું કારણ બને છે.
માત્ર મહીનાના થયેલા આને પૂર્વથી જ ધર્મપ્રત્યેના પ્રેમ અને બહુમાનના કારણે નિયમ લેવાનું મન થયું. એમાં ગઈ કાલે તો ભગવાનના દર્શન-વંદન થવાથી દૂધ ગ્રહણ કરેલું. આજે એ દર્શનનો યોગ ન થવાથી રડતો હોવા છતાં દૃઢ હૃદયવાળા એણે દૂધપાન કર્યું નહીં. મારા કહેવા પર તમે પ્રભુદર્શન કરાવ્યા પછી એ દૂધ પીવું વગેરે કાર્યોમાં જોડાયો. પૂર્વભવમાં જે શુભાશુભ કર્યું હોય, અથવા કરવાની ઇચ્છા રાખી હોય, એ બીજા જન્મમાં પણ મોટા ભાઇની જેમ આગળ આવી જાય છે. મોટા પ્રભાવશાળી આ રાજકુમાર ધન્યના ભવની અવ્યક્ત (વિશેષ સમજ વિનાની) પણ જિનભક્તિના પ્રભાવથી ભવિષ્યમાં અનેક આશ્ચર્યને જન્માવનારી વિશિષ્ટ સંપૂર્ણ સમૃદ્ધિનો સ્વામી થશે. પેલી ચાર કન્યાઓ પણ દેવલોકમાંથી ચ્યવને જુદા જુદા મોટા રાજાઓની રાજકુમારી થશે ને આની જ રાણીઓ થશે. સાથે સુકૃત કરનારાઓનો ભવિષ્યમાં પણ એક બીજા સાથે યોગ જોડાઇ જાય છે.
મુનિરાજની આ વાત સાંભળીને અને આટલા નાના બાળકની પણ નિયમ પ્રત્યેની દઢતા જોઇ રાજા વગેરે પણ દઢ નિયમપૂર્વકનો ધર્મ કરવામાં અગ્રેસર થયા. પછી “પુત્રને પ્રતિબોધ કરવા વિહાર કરું છું' એમ કહી ઉત્કૃષ્ટ વીર્યવાળા એ મુનિરાજ ચારણ લબ્ધિથી ગરુડની જેમ ઊડી વૈતાઢ્ય પર પહોંચ્યા.
ધર્મદત્તની ધર્મભાવના આ બાજુ જાતિસ્મરણજ્ઞાની ધર્મદત્ત રાજકુમાર સાધુની જેમ દઢ રીતે નિયમ પાળતો વૃદ્ધિ પામ્યો. ત્રણ જગતને આશ્ચર્યકારી રૂપસમૃદ્ધિથી તે કામદેવથી ય અધિક રૂપવંત થયો. એના શરીરના વિકાસની સ્પર્ધાથી જ જાણે કે એના લોકોત્તર ગુણો પણ વિકાસ પામતા ગયા. પણ એની ધર્મભાવના ગુણોને પણ જાણે ગૌણ કરી દે એ રીતે પ્રસાર પામવા માંડી, કેમકે ત્રણ વર્ષનો થયો ત્યારથી એ ભગવાનની પૂજા વિના ભોજન પણ કરતો હતો નહીં. પુરુષ યોગ્ય લેખન, પઠન વગેરે બોંત્તેર કળા પણ તે લીલામાત્રમાં જાણે કે લખેલી વાંચી જતો હોય એમ શીખી ગયો. ખરેખર!સુકતનો મહિમા અપરંપાર છે.
શ્રાદ્ધવિધિ પ્રકરણ