________________
ધિક્કાર છે જેથી પિતાને વલ્લભ પુત્ર પણ પિતાને મારવા તૈયાર થઇ જાય!
ભાગ્યયોગે ગોત્રદેવતાના કથનથી ચિત્રગતિ રાજા પુત્રની આ ગુપ્ત મંત્રણા જાણી ગયા. આવા અચાનક ઉદ્ભવેલા અત્યંત ભયથી મોહદશા દૂર થવાથી રાજા વૈરાગી થઇ ગયા. હવે શું કરવું? કોના શરણે જવું? કોને મનની વાત કરવી? જીવનમાં કોઇ સુકૃત કર્યું નથી ને પુત્ર મને પશુની જેમ મારી નાંખવા માગે છે, તો પછી શું મારી દુર્ગતિ થશે? આવા વિચારોથી સાવધાન થયેલા રાજાએ વિચાર્યું કે હવે મારે ચેતી જવું જોઇએ. આત્મસાધના કરી લેવી જોઇએ. આમ વિચારી જાતે જ પાંચ મુઠ્ઠીથી લોચ કરી સાધુપણું સ્વીકારી લીધું. દેવોએ એને સાધુનો વેશ આપ્યો. પવિત્ર બુદ્ધિવાળા રાજાએ વ્રતો અંગીકાર કર્યા. વિચિત્રગતિને આ વાતની જાણ થતાં એને પણ ખૂબ પસ્તાવો થયો. પિતા પાસે રોતા હૃદયે માફી માંગી. ફરીથી રાજ્યભાર સ્વીકારી લેવા ખૂબ આગ્રહ કર્યો. ત્યારે રાજર્ષિએ ક્ષમાભાવે કહ્યું - અરે! તું મારો ઉપકારી છે, મને જાગૃત થવામાં, વૈરાગી થવામાં, સાધુ થવામાં તું નિમિત્ત બની મારો પરમ કલ્યાણમિત્ર બન્યો છે.
એમ કહી પવનની જેમ નિ:સંગભાવે વિહાર કર્યો. સાધુચર્યામાં અપ્રમત્ત રહેવા પૂર્વક વિવિધ દુષ્કર તપો કરવાથી એ સાધુને ત્રીજું અવધિજ્ઞાન અને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. તે મુનિ તે જ હું છું. જ્ઞાનથી લાભ જાણી અહીં આવ્યો છું. તમારો મોહભાવ દૂર કરવાનો મારો આશય છે. તમે હવે બાકીના સંબંધની વાત સાંભળો.
જે શ્રેષ્ઠી વસુમિત્ર હતો, તે દેવલોકમાંથી ચ્યવી તમે આ ભવમાં રાજા થયા છો. તમારો મિત્ર સુમિત્ર તમારી જ પટ્ટરાણી પ્રીતિમતી બની છે. પૂર્વભવના અભ્યાસથી પરસ્પર વિશેષ પ્રેમ છે. સુમિત્રે પૂર્વભવમાં પોતાને શ્રેષ્ઠ શ્રાવક તરીકે બતાવવા ક્યારેક ક્યારેક માયા કરી હતી. તેથી આ ભવમાં સ્ત્રીપણું પામ્યા. ખરેખર! ઘણીવાર સજ્જનો પણ હિતા-હિત અંગે સમજુ ના બદલે જડ બની જતા હોય છે. સુમિત્રના ભવમાં એણે એકવાર એવું વિચારેલું કે મારા નાના ભાઇને મારા કરતાં પહેલા પુત્ર થવો જોઇએ નહીં. એક વાર પણ તીવ્રભાવે કરેલા ખોટા વિચારનો કર્મરાજા દંડ આપે છે. તેથી પ્રીતિમતીને આ ભવમાં બધી રાણીઓ કરતાં છેલ્લે પુત્ર થયો. પુત્ર વિલંબે પ્રાપ્ત થયો.
સૌધર્મ દેવલોકમાં મહદ્ધિક દેવ થયેલા ધન્ય એકવાર સુવિધિનાથ ભગવાનને પૂછ્યું. આ દેવલોકમાંથી ચ્યવી હું ક્યાં ઉત્પન્ન થઇશ? ત્યારે ભગવાને તમારા બંનેનું નામ આપી એમના પુત્ર તરીકે ઉત્પન્ન થશો એમ કહ્યું. દેવે વિચાર્યું - જો માતા-પિતા જ ધર્મ વિનાના હોય, તો પુત્રને ધર્મસામગ્રી કેવી રીતે મળે? ધર્મસંસ્કાર કેવી રીતે મળશે? કુવામાં પાણી હોય તો હવાડામાં આવે. આમ પોતાને માનવભવમાં જૈનધર્મની પ્રાપ્તિરૂપ બોધિબીજ પ્રાપ્ત થાય એ માટે એ દેવે હંસનું રૂપ કરી પ્રીતિમતી રાણીને અને સ્વપ્ન આપી તમને જૈનધર્મથી ભાવિત કર્યા- ધર્મ પમાડ્યો. કેટલાક ભવ્ય જીવો દેવભવમાં જ પછીના ભવમાં બોધિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી લે છે. બીજા કેટલાક જીવો એવી તૈયારી ન કરવાથી પછી માનવભવમાં બોધિબીજ ગુમાવી પણ દે છે. દિવ્યમણિ મેળવ્યા પછી ઘણા એ ગુમાવી પણ દેતા હોય છે.
તે સમકતી દેવ પછી દેવલોકમાંથી ઍવી તમારો પુત્ર બન્યો છે. આના જ પ્રભાવથી આની માતાને સુંદર સ્વપ્ન અને દોહદો થયા હતા. જેમ છાયા કાયાને, સતી પતિને, ચંદ્રિકા ચંદ્રને, તેજ સૂર્યને, ૭૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ