________________
તેથી જ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે- અકૃત્ન પ્રવર્તક (ભગવાનની આજ્ઞામાં પૂરેપૂરા નહીં લાગેલા) એવા દેશવિરતો માટે ખરેખર આ દ્રવ્યસ્તવ યોગ્ય છે. દ્રવ્યસ્તવ સંસારને ઘટાડે છે એમાં કૂવાનું દૃષ્ટાંત છે. બીજું પણ કહ્યું છે – આરંભ (હિંસાજનક કાર્યો)માં લાગેલા, છ કાયના વધથી નહીં અટકેલા અને સંસારવનમાં ભટકતાં ગૃહસ્થો માટે દ્રવ્યસ્તવ જ આલંબનભૂત છે. જે વણિક જિનપૂજા કરીને અસાર એવા ધનથી અત્યંત સારભૂત નિર્મળ પુણ્ય મેળવે છે; તે પવન જેવા ચંચળ ધનથી સ્થિર, મોક્ષવિરોધી ધનથી મોક્ષકારક, બહુ માલિકવાળા પરાધીન ધનથી સ્વાધીન, અને અલ્પધનથી ઘણું પુણ્ય કમાય છે. તેથી તે જ વાણિજ્યકાર્યમાં અત્યંત નિપુણ વાણિયો છે.
દેરાસરે જવાના વિચાર વગેરેથી કેટલા ઉપવાસનો લાભ થાય? હું દેરાસરે જઇશ” એવું ચિંતવતા ચોથ (૧ ઉપવાસ) નું ફળ મેળવે છે. એ માટે ઊભો થતાં જ છઠ્ઠનું ફળ મેળવે છે. એ માટે ચાલવાનું શરું કરતાં જ અટ્ટમનું ફળ મેળવે છે. શ્રદ્ધાભાવથી માર્ગે જતાં ચાર ઉપવાસનું ફળ મેળવે છે. દેરાસરની બહાર પહોંચે, ત્યારે પાંચ ઉપવાસનું ફળ મેળવે છે. દેરાસરમાં પ્રવેશતાં જ પંદર ઉપવાસનું અને ભગવાનના દર્શન કરતાં જ માક્ષસમણનું ફળ મેળવે છે.
પદ્મચરિત્રમાં આ પ્રમાણે કહ્યું છે – મનમાં વિચારતા ઉપવાસ, ઊભો થતાં છઠ્ઠ, જવાનું શરૂ કરતાં અટ્ટમનું ફળ મેળવે છે. જતાં ચાર ઉપવાસ, થોડું જવા પર પાંચ ઉપવાસ, મધ્યે પહોંચતા પંદર ઉપવાસ અને દેરાસર જોતાં માસક્ષમણનું ફળ મેળવે છે. દેરાસર પહોંચતા છ મહિનાના ઉપવાસનું, તથા દેરાસરના દ્વારે પહોંચતા એક વર્ષના ઉપવાસનું ફળ મળવે છે. ભગવાનને જોતા સો વર્ષના અને ભગવાનની પૂજા કરતાં હજાર વર્ષના ઉપવાસનું ફળ મળે. ભગવાનની સ્તવના કરતાં અનંત પુણ્ય કમાય છે. પ્રમાર્જનથી સો, વિલેપનથી હજાર, માળા અર્પણ કરતાં લાખ અને ગીત-ગાનથી અનંત ઉપવાસના પુણ્યની પ્રાપ્તિ થાય છે.
ત્રિકાળ પૂજા કરવી રોજ ત્રિસંધ્યા પૂજા કરવી જોઇએ. કહ્યું છે કે સવારે કરેલી જિનપૂજા રાતે થયેલા પાપનો નાશ કરે છે. મધ્યાહ્ન કરેલી જિનપૂજા જિંદગીભરના પાપનો નાશ કરે છે. ને સાંજે કરેલી પૂજા સાત ભવના પાપ દૂર કરે છે. જેમ પાણી, આહાર, ઔષધ, નિદ્રા, વિદ્યા, મળોત્સર્ગ, અને કૃષિ-ખેતી વગેરે ક્રિયાઓ પોત-પોતાના સમયે કરવામાં આવે તો જ સારા ફળવાળી થાય છે. એ જ રીતે પ્રભુપૂજા પણ એના સમયે કરાય તો સારા ફળવાળી થાય છે. ત્રિસંધ્યા પૂજા કરનારો સમ્પર્વને શોભાવે છે અને શ્રેણિક રાજાની જેમ તીર્થંકર નામકર્મ બાંધે છે. દોષરહિત એવા જિનેન્દ્રની જે હંમેશા ત્રિસંધ્યા પૂજા કરે છે, તે ત્રીજે ભવે અથવા સાત-આઠ ભવે મોક્ષ પામે છે. દેવેન્દ્રો પોતાના પૂરા આદર-પ્રયત્નપૂર્વક પ્રભુની પૂજા કરે, તો પણ પ્રભુ પરિપૂર્ણ પૂજાતા નથી, કેમકે ભગવાન અનંત ગુણોથી ભરેલા છે. ભગવાન! આપ આંખથી દેખાતા નથી, ઘણી પૂજાઓથી પણ આપ (પરિપૂર્ણ) આરાધાતા નથી, આપ આપના પ્રત્યેના મોટા ભક્તિરાગથી અને આપના વચનના પાલનથી જ આરાધાઓ છો.
પ્રભુપૂજામાં ચતુર્ભગી પ્રભુપૂજા વગેરેમાં હાર્દિક બહુમાન અને વિધિપૂર્વકની ક્રિયા આ બંનેને અપેક્ષીને શુદ્ધ-અશુદ્ધ અંગે ચાંદીનો સિક્કો અને તેના પરની મહોર છાપના દૃષ્ટાંતથી ચતુર્ભાગી બને છે. તે આ રીતે (૧) શુદ્ધ
શ્રાદ્ધવિધિ પ્રકરણ