________________
આગળ ભોજન મુકી વારંવાર સ્નેહપૂર્વક કહેવા લાગી - હે મહાભાગા! તમે ધર્મિષ્ઠ થઇને પણ શું કામ આ રીતે ફોગટનો દ્વેષ કર્યો? એ દ્વેષના કારણે તમારી આ ગતિ થઇ છે. આ સાંભળવાથી અને ચૈત્યના દર્શન વગેરેથી એ કુતરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સંવેગભાવમાં આવી. સિદ્ધ આદિ ભગવંતોની સાક્ષીએ એ ઠેષભાવની આલોચના કરી. પછી અનશન સ્વીકારી વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થઇ. તેથી દ્વેષભાવ રાખવો નહીં. અહીં દ્રવ્યસ્તવની વાત પૂરી થઇ.
નિષિદ્ધનો ત્યાગ શ્રેષ્ઠ જિનાજ્ઞાપાલનરૂપા અહીં જે બધી ભાવપૂજા બતાવેલી છે, તે અને શ્રી જિનાજ્ઞાનું પાલન એ ભાવસ્તવ છે. જિનાજ્ઞા (૧) સ્વીકાર અને (૨) ત્યાગ એમ બે પ્રકારે છે. સુકતનું આચરણ સ્વીકારરૂપ છે. ને ભગવાને નિષિદ્ધ કરેલા કૃત્યો નહીં આચરવા એ ત્યાગરૂપ છે. એમાં સ્વીકારવા યોગ્ય કાર્યો કરતા પણ નિષિદ્ધત્યાગ (નહીં કરવા યોગ્ય કાર્યો નહીં કરવા) એ વધુ શ્રેષ્ઠ છે, કેમકે જે નિષિદ્ધ કાર્યો આચરે છે, તેના ઘણા પણ સુકૃતોનું આચરણ વિશેષ ગુણકારી બનતું નથી. અહીં દષ્ટાંત બતાવે છે. - રોગીના રોગના પ્રતિકાર બે પ્રકારે છે. (૧) સ્વીકાર (૨) પરિહાર - ત્યાગ. એમાં ઔષધો લેવા એ સ્વીકારરૂપ છે ને અપથ્ય છોડવા એ પરિહારરૂપ છે. જે દવાઓ લેવા છતાં અપથ્ય છોડતો નથી, એને આરોગ્ય મળતું નથી. કહ્યું જ છે કે – ઔષધ વિના પણ રોગ પથ્ય સેવનમાત્રથી મટી જાય છે. પણ પથ્ય વિનાનાને (અપથ્ય સેવનારા) ને તો સેંકડો ઔષધો પછી પણ રોગ મટતો નથી.
એ જ રીતે ભક્તિ પણ નિષિદ્ધનું આચરણ કરવાની ટેવવાળાને વિશેષ લાભ માટે થતી નથી. (યાત્રા વગેરેમાં રાત્રિભોજન કરનારાઓએ તો આ વાત વિશેષ ધ્યાનમાં લેવી જોઇએ.) જો કર્તવ્યોનું પાલન અને નિષિદ્ધનો ત્યાગ આ બંને થાય, તો તે સંપૂર્ણ સિદ્ધિ છે, જેમકે પથ્ય સેવનારનો ઔષધથી રોગ પૂરેપૂરો જાય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ પણ કહ્યું છે – હે વીતરાગ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞા પાળવી એ વધુ શ્રેષ્ઠ છે. કેમકે પળાયેલી આજ્ઞા શિવ-કલ્યાણ માટે અને વિરાધાયેલી આજ્ઞા સંસારમાટે થાય છે. અને તારી હેય-ત્યાજ્ય અને ઉપાદેય-આદરવા યોગ્ય અંગે હંમેશ માટેની આજ્ઞા આ જ છે કે આશ્રવ સર્વથા ત્યાજ્ય છે ને સંવર સર્વથા ઉપાદેય છે. (આશ્રવ – કર્મ બંધાવાના કારણો, સંવર = કર્મને આવતા અટકાવવાના ઉપાયો) તેથી દરેક જિનભક્ત નિષિદ્ધ કાર્યો છોડવા જોઇએ.
દ્રવ્યસ્તવઅંગે કૂપખનન દષ્ટાંત દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું ફળ આ પ્રમાણે બતાવ્યું છે – ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવને આરાધી જીવ અમ્રુત (બારમા) દેવલોક સુધી જાય છે. ભાવસ્તવથી અંતર્મુહુર્ત માત્રમાં નિર્વાણ-મોક્ષ મળી શકે છે. દ્રવ્યસ્તવ આદરવામાં જો કે છકાય જીવની હિંસાદિ કાં'ક વિરાધના થઇ શકે, છતાં ગૃહસ્થોમાટે કૂવાના ઉદાહરણથી એ દ્રવ્યસ્તવ કરવો ઉચિત જ છે, કેમકે એ કરનાર માટે, જોનાર માટે, અને એની વાત સાંભળનાર માટે અમાપ પુણ્યબંધનું કારણ બને છે.
કૂવાનું દૃષ્ટાંત - કોઇ નવા ગામમાં સ્નાન-પાનવગેરે માટે લોકો કૂવો ખોદે છે. ત્યારે એમને તૃષા લાગે છે, થાક લાગે છે, કાદવથી શરીર મેલું થાય છે. છતાં કુવામાંથી પાણી નીકળતાં જ તેઓની અને બીજાની તૃષા શાંત થશે, થાક દૂર થશે અને પૂર્વે લાગેલા મેલ વગેરે પણ દૂર થશે. આમ હંમેશા સંપૂર્ણ સુખ થશે. એમ દ્રવ્યસ્તવ અંગે પણ સમજવું.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૭૦