________________
એક નિર્ધન ખેડુત સાધુના કહેવાથી નજીકના દેરાસરમાં રોજ નૈવેદ્ય ચઢાવતો હતો. એક વખતે મોડું થયેલું. સખત ભૂખ લાગેલી. પણ નૈવેદ્ય ચઢાવવાનું બાકી હતું, તેથી ચઢાવવા ગયો. તો પહેલા સિંહ દેખાયો. છતાં ડર્યા વિના આગળ વધ્યો. પછી ત્રણ સાધુભગવંત દેખાયા, એમને વહોરાવ્યું. પછી નૈવેદ્ય પણ ચઢાવ્યું. ભૂખની પરવા કરી નહીં. યક્ષે કરેલી આ પરીક્ષા હતી. આ રીતે પરીક્ષામાં દૃઢ રહેવાથી પ્રસન્ન થયેલા યક્ષના વચનથી સાતમે દિવસે સ્વયંવરમાં રાજકન્યા વરી, ત્યાં આવેલા બીજા રાજાઓ પર વિજય મેળવ્યો ને છેવટે રાજ્ય પણ પામ્યો. (મારા લખેલા “મૃગજળનું સરોવર' પુસ્તકમાં આ કથા આલેખવામાં આવી છે.)
લોકોમાં પણ કહ્યું છે કે- ધૂપ પાપને બાળે છે, દીવો મૃત્યુનો વિનાશ કરે છે. નૈવેદ્યથી વિશાળ રાજ્ય મળે છે અને પ્રદક્ષિણા સિદ્ધિ દેનારી બને છે.
રસોઇ વગેરે બધી વસ્તુ સીઝવામાં તૈયાર થવામાં પાણી તો જોઇએ જ. તેથી અન્ન કરતાં પણ પાણી વધુ મહત્ત્વનું છે. તેથી નૈવેદ્ય પૂજામાં અન્નની સાથે પાણી પણ ધરવું જોઇએ. નૈવેદ્ય-આરતી વગેરે વાત આગમમાં પણ જણાવી છે. આવશ્યક નિર્યુક્તિમાં - “તે વખતે બલિ કરાય છે” એમ કહ્યું છે. નિશીથમાં પણ ‘ત્યારે ઉદાયન રાજાની પ્રભાવતી રાણીએ બલિ વગેરે બધું કરી કહ્યું – દેવાધીદેવ તો પ્રભુ વર્ધમાનસ્વામી જ છે. તેથી આ પેટીમાં એની જ પ્રતિમા હોવી જોઇએ.” એમ કહી પેટી ખોલવા કુહાડો લગાવ્યો કે તરત પેટી ખુલી ગઇ. ત્યારે એ પેટીમાં ભગવાનની બધા અલંકારોથી વિભૂષિત પ્રતિમાના દર્શન થયા. નિશીથ સૂત્રની પીઠિકામાં પણ કહ્યું છે – ‘બલિ’ એટલે અશિવ (એક પ્રકારનો ઉપદ્રવ) શાંત કરવા માટે જે ભાત તૈયાર કરાય છે, તે. શ્રી નિશીથ સૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે – સંપ્રતિ રાજા ભગવાનના રથની આગળ વિવિધ ફળ, ખાદ્ય, ભોજ્ય પદાર્થો, કોઠા વગેરે ધરે છે. બૃહત્કલ્પભાષ્યમાં પણ કહ્યું છે કે – તીર્થકર (તીર્થના સ્થાપક હોવાથી) તીર્થગત સાધુના સાધર્મિક ગણાતા નથી. તેથી તીર્થકર માટે કરેલી (સમવસરણ રચના વગેરે) વસ્તુ જો સાધુને કહ્યું છે, તો તેમની પ્રતિમાઅંગે કે જે અજીવ છે, એનેઅંગે કરેલું શું કામ ન કહ્યું? અવશ્ય કલ્પ. પ્રતિષ્ઠા પ્રાભૃતમાંથી શ્રીપાદલિપ્તસૂરિએ ઉદ્ધત કરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં આગમમાં કહેલી વાત જ બતાવતા કહ્યું છે – આરતી ઉતારી પછી મંગલ દીવો કરી પછી ચાર સ્ત્રીઓએ નિર્મથન (નૈવેદ્ય) વિધિપૂર્વક કરવું જોઇએ. મહાનિશીથગ્રંથના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે – અરિહંત ભગવાનના ગંધ, દ્રવ્ય, માળા, દીવો, સંમાર્જન, ઉપલેપણ, વિચિત્ર બલિ, વસ્ત્ર, ધૂપ વગેરે દ્વારા પૂજા સત્કાર કરીને રોજ અભ્યર્ચન કરવાવાળા અમે તીર્થની પ્રભાવના કરીએ છીએ. આમ નૈવેદ્ય-આરતી વગેરે વાત આગમ સિદ્ધ છે. આ અગ્રપુજ વાત થઇ.
ભાવપૂજા હવે ભાવપૂજાની વાત બતાવે છે - પહેલા તો હવે જિન અંગ-અગ્રપૂજાની પણ પ્રવૃત્તિના નિષેધસૂચક ત્રીજી નિસીહી ત્રણવાર બોલવી. મોટા દેરાસરમાં ઓછામાં ઓછું નવ હાથ જેટલો અને ઘરદેરાસરમાં ઓછામાં ઓછું એક કે અડધો હાથ જેટલો અને વધારેમાં વધારે સાઠ હાથ જેટલો અવગ્રહ રાખી (એટલા દૂર રહી) વિશિષ્ટ સ્તુતિઓ દ્વારા ચૈત્યવંદન કરવું જોઇએ. કહ્યું જ છે કે - ત્રીજી ભાવ પૂજા છે. ચૈત્યવંદન માટેના ઉચિત સ્થાને બેસી વિશિષ્ટ સ્તુતિ, સ્તોત્ર વગેરે દ્વારા
શ્રાદ્ધવિધિ પ્રકરણ