________________
- જો તીવ્ર શંકા થઇ હોય નહીં, તો રાખ, છાણ, ગાય-બળદના સ્થાન, રાફડો, જ્યાં ઘણાના મળમૂત્ર પડ્યા હોય તેવું સ્થાન વગેરે તથા ઉત્તમ વૃક્ષ, સૂર્યની દિશા અને પાણીના સ્થાન, તથા સ્મશાન ભૂમિ અને નદીનો કિનારો આ બધા સ્થાને તથા પૂજ્યો અને સ્ત્રીઓ જોતા હોય, એવા સ્થાને મળ વિસર્જન કરવું નહીં.
ઓઘનિર્યુક્તિ નામના આગમ ગ્રંથમાં સાધુને આશ્રયીને આમ કહ્યું છે, જ્યાં (૧) બીજા આવે નહીં કે જુએ નહીં એવી (૨) બીજા દ્વારા પીટાઇ થવા રૂપ કે જૈનશાસનની નિંદા થવા રૂપ ઉપઘાત નહીં થાય એવી તથા (૩) જ્યાં બેસતા-ઊઠતા પડી જવાય નહીં, ને પેશાબ વગેરે પણ લસરે નહીં એવી સમતલ (૪) એ પણ ઘાસ વગેરેથી ઢંકાયેલી-પોલાણવાળી ન હોવી જોઇએ, કેમકે એવા પોલાણવાળા સ્થાને વીછી વગેરે હોય, તો ડંખ દે અને કીડી વગેરે પેશાબના પ્રવાહમાં તણાઇ જાય. તથા એ ભૂમિ (૫) જે થોડા કાળ પહેલા જ અચિત્ત થઇ હોય. કેમકે બે મહિનાની એક ઋતુ છે, ને એક ઋતુમાં અગ્નિ વગેરેથી અચિત્ત થયેલી ભૂમિ બીજી ઋતુમાં મિશ્ર થઇ જાય છે. જ્યાં વર્ષાકાળમાં ગામ વસ્યું હોય, તે ભૂમિ બાર વર્ષ સુધી અચિત્ત રહે છે. તેથી અચિત્ત ભૂમિ કે જે વળી (૬) ઓછામાં ઓછી એક હાથ જેટલી તો લાંબી-પહોળી હોવી જોઇએ. તથા (૭) દૂર અવગાઢ – અગ્નિ વગેરેના તાપથી એ ભૂમિ નીચે ઓછામાં ઓછી ચાર આંગળ જેટલી તો અચિત્ત થયેલી હોવી જ જોઇએ. તથા (૮) આસન્ન - ધવલગૃહ (સારા ઘર કે દેવાલય) તથા બગીચા વગેરેની નજીક ન હોવી એ દ્રવ્યથી અનાસન્ન કહેવાય. પણ જો તીવ્ર શંકા હોય, તો નજીક બેસવું પડે, એ ભાવાસન્મ સમજવું. (૯) સાપ વગેરેના દર નહીં હોવા જોઇએ. તથા (૧૦) અળસિયા, કીડી વગેરે ત્રસ જીવો કે ધાન્ય બીજ વગેરે ન હોવા જોઇએ. આ દસ વિકલ્પોને જોઇ ઉચિત સ્થળે મળ-મૂત્ર વિસર્જન કરવું જોઇએ. તથા...
(ગૃહસ્થી પણ બહાર - જંગલમાં મળવિસર્જનમાટે જતા હતા. હવે એવું નહીં રહેવાથી તેઓ સાધુસાધ્વીઓની પરઠવવાની વિધિની જે જુગુપ્સા કરે છે, તે તદ્દન અનુચિત છે. પોતાના ઘરનો કચરો ગમે ત્યાં ફેંકનારા, ગમે ત્યાં થૂકનારા અને ઊભરાતી ગટરની ગંદકી સહન કરી લેનારા સાધુની થોડીક પરઠવવાની ક્રિયામાં જુગુપ્સા કરે, તે કલિકાળની બલિહારી છે. તેથી સંઘના આગેવાનોએ ઉપાશ્રયમાં - ખુલ્લી એટલી પૂરતી જગ્યા રાખવી જોઇએ કે જેથી બહાર પરઠવવાની ને જુગુપ્સાની પરિસ્થિતિ નિર્માણ જ થાય નહીં.
ગૃહસ્થો જે સંડાસવગેરેમાં જાય છે, ત્યાં અસંખ્ય સંમૂર્છાિમોની તો વિરાધના છે જ. પાણીની પણ ઘણી વિરાધના છે. જો એમાં ગયા વિના ચાલે એમ જ ન હોય, તો મળવિસર્જન પહેલા ત્યાં થોડું પાણી ઢોળવાપર પછી ઘણા ઓછા પાણીથી એ સાફ થઇ શકે.)
ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય ગણાય છે. રાતે દક્ષિણ દિશામાં નિશાચરો-રાક્ષસો ફરતા હોય છે. પવનની દિશામાં બેસવાથી નાકમાં મસા થાય છે. સૂર્ય અને ગામને પીઠ કરવાથી નિંદા થાય છે. જેને મળમાં કરમિયા પડતા હોય, એણે છાયામાં મળોત્સર્ગ કરવો જોઇએ. એવી છાયા ન મળે, તો મળ વિસર્જન પછી પોતે સૂર્ય સન્મુખ ઊભો રહી એક મુહૂર્ત સુધી એના પર છાયા કરવી જોઇએ.
એકીની શંકા થવા છતાં જો જાય નહીં તો આંખને પીડા થાય છે. બેકીની શંકા થવા છતાં જો જાય નહીં તો મોત આવી જવાની સંભાવના છે. ઉલ્ટી થતી હોય ને અટકાવે, તો કોઢ થાય છે. અથવા આ ત્રણેયને અટકાવવામાં બીમારી થવી સંભવે છે.
શ્રાદ્ધવિધિ પ્રકરણ