________________
એવો આશય લાગે છે કે ઉપવાસ તિવિહાર કે ચૌવિહાર લેવાય છે. આયંબિલ કરીને ઉઠ્યા પછી સામાન્યથી કામ ચૌવિહાર હોય તો ચૌવિહાર, નહીંતર તિવિહારનું પચ્ચખાણ કરાય છે, પણ નીવી વગેરેમાં વાપર્યા પછી પણ ક્યારેક અપવાદરૂપે દુવિહાર અપાતું હશે. પોરસી પચ્ચખાણ દુવિહાર-તિવિહારનો અર્થ એવો થતો હશે કે નવકારશીથી પોરસી વચ્ચે દુવિહાર આદિ પણ કરી શકાતા હશે. પ્રતમાં જે “સાય” (સાંજે) એવો જે શબ્દ છે, એનો અર્થ આ રીતે બેસાડવો યોગ્ય લાગે છે. જો કે વર્તમાનમાં તિવિહાર - ચૌવિહાર પચ્ચકખાણ જ પ્રચલિત છે.) કહ્યું જ છે કે :- સાધુને રાત્રી પચ્ચક્ખાણ અને નવકારશી પચ્ચકખાણ ચૌવિહાર હોય છે. છેલ્લું અનશન, ઉપવાસ અને આયંબિલ તિવિહાર કે ચૌવિહાર હોય છે. બાકીના આહાર પચ્ચકખાણો દુવિહાર, તિવિહાર કે ચૌવિહાર હોઇ શકે છે. પચ્ચકખાણોમાં આ રીતે આહાર સંબંધી વિકલ્પો સમજવાના છે.
નીવી – આયંબિલ વગેરેમાં શું કહ્યું? શું નહીં કહ્યું? એ વિભાગ સિદ્ધાંતના આધારે પોતપોતાની સામાચારીથી સમજી લેવો. અનાભોગ સહસાગાર વગેરે આગારોનું સ્પષ્ટ સ્વરૂપ પચ્ચકખાણ ભાષ્ય વગેરેમાં બતાવ્યું છે, ત્યાંથી સારી રીતે સમજી હૃદયસ્થ કરવું, નહીંતર પચ્ચક્ખાણમાં શુદ્ધતા વગેરે સંભવશે નહીં. આમ સૂત્રગાથામાં ઉત્તરાદ્ધમાં જે “પડિક્કમિએ પદ છે, તે પ્રસંગ સમજાવાયું.
દેહશુદ્ધિની વિધિ હવે આગળ વ્યાખ્યા કરે છે - “સૂઈ પૂઈએ” શુચિ - મળશુદ્ધિ, દાંત ઘસવા, ઉલ ઉતારવી (જીભ સાફ કરવી), કોગળા કરવાં, સર્વ સ્નાન - દેશ સ્નાનથી પવિત્ર થવું વગેરે અંગે માત્ર અનુવાદ રૂપ જ વાત છે. આ બધી વાત લોકસિદ્ધ જ છે – બધા જ જાણે છે, એમાં કોઇ ઉપદેશ આપવાનો ન હોય, કેમ કે જે અર્થ પ્રસિદ્ધ ન હોય, જેની જાણકારી ન હોય, તેની વાત કરવાથી જ શાસ્ત્ર સફળ થાય છે. તેથી જ મલિન શરીરવાળાએ ન્હાવું જોઇએ કે ભૂખ લાગી હોય તો ભોજન કરવું જોઇએ એવી બધી બાબતો માટે શાસ્ત્રનો કોઇ ઉપદેશ હોતો નથી. પરલોક સંબંધી કાર્યો સામાન્યથી જીવ જાણતો નથી, તેથી એ માટે ઉપદેશ આપવાથી જ શાસ્ત્ર સફળ ગણાય છે. (અનુવાદ - અન્યત: લોકમાં જાણીતી વાતનો જે ઉલ્લેખ કરાય, તે અનુવાદપરક ગણાય. જે વાત લોકમાં જાણીતી ન હોય, તે વાત જણાવતું-તે અંગે વિધિ- નિષેધ સૂચવતું શાસ્ત્રવચન જ વિધિવાક્ય રૂપે સાર્થક ગણાય.) આ જ રીતે બીજે સ્થળે પણ જાણવું. શાસ્ત્રકારો સાવદ્ય આરંભો અંગે (પાપજનક-અહિતકર પ્રવૃત્તિઓ અંગે) વચનથી પણ અનુમોદના કરતા નથી. તેથી જ કહ્યું છે કે- જે સાવઘવચન અને નિરવદ્ય વચન વચ્ચેના ભેદને જાણતો નથી, તેણે તો બોલવું પણ યોગ્ય નથી, તો ઉપદેશની તો વાત જ શી કરવી? (એ તો સુતરામ કરી શકે નહીં.).
મળોત્સર્ગ મૌન રહીને જીવ વિનાની યોગ્ય ભૂમિ પર કરવો ઇત્યાદિ વિધિ સાચવવી જોઇએ. કહ્યું જ છે કે – લઘુનીતિ (એકી), વડીનીતિ (બેકી) મૈથુન, સ્નાન, ભોજન, સંધ્યાદિ કાર્યો, પૂજા અને જાપ આટલા કાર્યો મૌન રહીને કરવા. વિવેક વિલાસમાં પણ કહ્યું છે - લઘુનીતિ, વડીનીતિ મૌન રહીને, વસ્ત્રથી ઢંકાયેલા રહીને કરવા. દિવસે અને બંને સંધ્યા વખતે ઉત્તર તરફ અને રાતે દક્ષિણ તરફ મોં રાખી આ કાર્ય કરવું. - આકાશમાં તારા - નક્ષત્રો તેજ વિનાના થાય ત્યારથી માંડી જ્યાં સુધી સૂર્ય અડધો બહાર ન આવે, ત્યાં સુધી સવારની સંધ્યા ગણાય. એ જ રીતે સાંજે સૂર્ય અડધો ડૂબે ત્યારથી માંડી જ્યાં સુધી બે ત્રણ નક્ષત્ર દેખાતા નહી થાય,ત્યાં સુધી સાંજની સંધ્યા છે. ૩૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ