________________
અચિત્ત વનસ્પતિની પણ જયણા શા માટે? કોરડું મગ, હરડેના ઠળિયા વગેરે અચિત્ત હોવા છતાં એની નાશ નહીં પામેલી યોનિ (ઉત્પત્તિશક્તિ)ની રક્ષા માટે અને નિશુકતા (કઠોર) પરિણામને અટકાવવા અને દાંત વગેરેથી ભાંગવાની ના પાડવામાં આવી છે. ઓઘનિર્યુક્તિની પંચોતેરમી ગાથાની વૃત્તિમાં આવો પ્રશ્નોત્તર છે.
પ્રશ્ન: અચિત્ત વનસ્પતિની શા માટે જયણા કરવાની?
ઉત્તર : જો કે એ વનસ્પતિ અચિત્ત છે તો પણ ગળો, મગ વગેરે કેટલીક વનસ્પતિઓની યોનિ હજી નાશ પામી હોતી નથી. તે આ પ્રમાણે-ગળો સૂકાઇ જાય, તો પણ પાણીનું સિંચન કરવાથી પાછી લીલી બની જતી દેખાય છે. કોરડું મગ વગેરે અંગે પણ આ રીતે જ સમજવું. તેથી યોનિની રક્ષા માટે અચિત્તની પણ જયણા કરવી ન્યાય સંગત જ છે.
આ રીતે દરેક દ્રવ્યઅંગે સચિત્ત-અચિત્તનો યોગ્ય નિર્ણય કરી આનંદ આદિ શ્રાવકોની જેમ (આઆ વાપરીશ અથવા આ-આ નો ત્યાગ કરીશ ઇત્યાદિ રૂ૫) નામ લેવા પૂર્વક સચિત્તઆદિ બધી ભોગ્ય વસ્તુ અંગે નિયત પરિમાણ નક્કી કરી સાતમું ભોગોપભોગ વિરમણ વ્રત લેવું જોઇએ. એ રીતે (અમુકનો ત્યાગ કરવા દ્વારા) સંક્ષેપ કરવાની શક્તિ ન હોય, તો પ્રતિદિન એક કે બે સચિત્ત, દશ કે બાર દ્રવ્ય, એક કે બે વિગઇ (આંકડો એક ચોક્કસ નક્કી કરવો.) વાપરીશ ઇત્યાદિરૂપ નિયમ લેવો જોઇએ.
કાયમી ત્યાગમાં લાભ વધારે પ્રશ્ન: નામ લેવા પૂર્વક સચિત્તાદિનો કાયમ ત્યાગ કરવો, ને રોજ એક-બે જ લેવા ઇત્યાદિ નિયમ લેવો. આ બેમાં લાભ શામાં વધારે ?
ઉત્તર: રોજિંદા નિયમમાં તે-તે દિવસ માટે બીજા સચિત્તાદિનો ત્યાગ થાય છે, પણ રોજે રોજ સચિત્તાદિ ફરતા રહેવાથી કાયમ માટે એકેયનો ત્યાગ થતો નથી. સર્વ સચિત્તાદિનું ગ્રહણ તો રહે જ છે. તેથી કોઇ વિશેષ ત્યાગ થતો નથી. જ્યારે નામ લઇને અમુક સચિત્તાદિના પરિમાણ નિયત કરવાથી એ સિવાયના બાકી બધા સચિત્તાદિનો કાયમ માટે ત્યાગ થઇ જાય છે. તેથી એ ખરી વિરતિ છે, ને માટે એમાં જ લાભ વધારે છે. તેથી જ કહ્યું છે કે – ફૂલ, ફળ, દારૂ, માંસ, સ્ત્રીભોગના રસને (સ્વાદને) જાણતા હોવા છતાં જેઓ એનો ત્યાગ કરે છે, તેઓ દુષ્કરકારક છે, તેમને હું વંદન કરું છું.
આમ તો નાગરવેલના પાન (જે પાન તરીકે ખવાય છે તે)ને છોડી બાકીના સચિત્તોનો સ્વાદ તો એમાંય ખાસ કરીને કેરીનો સ્વાદ તો એ સચિત્તમાંથી અચિત્ત થઇ ગયા પછી પણ પામી શકાતા હોવાથી એ બધાના સચિત્તરૂપે પરિભોગનો ત્યાગ સહેલાઇથી કરી શકાય છે. પાન અચિત્તરૂપે ખવાતું નથી. તેથી એ સચિત્તનો ત્યાગ દુષ્કર છે. પરંતુ જો આપણે જોઇ શકીએ કે એ પાનને લીલા રાખવા સતત પાણીમાં જ પલાળી રાખવામાં આવે છે ને તેથી એમાં સેવાળ (અનંતકાય) કુંથુ (ઇંદ્રિય જીવ) વગેરેની ઘણી મોટી વિરાધના થાય છે, તો એનો ત્યાગ કરવાનું સત્ત્વ આવે. કદાચ છોડી ન શકાય, તો પણ પાપના ડરવાળાઓ રાતે તો પાન વાપરતા જ નથી. કદાચ ખાવા પડે, તો દિવસે જ બરાબર જોઇ જીવોની જયણા કરી, પછી જ વાપરે. જેને બ્રહ્મચર્ય પાળવું છે, એણે તો પાનનો ત્યાગ જ કરવો. કેમકે પાન બ્રહ્મચર્ય વિરોધી કામવાસનાનું એક કારણ મનાયું છે. (પૂર્વકાળે પાનના શોખીનો હતા. તેથી એમને શ્રાદ્ધવિધિ પ્રકરણ