________________
થતાં વાર લાગે છે. શિયાળામાં વાતાવરણમાં સ્નિગ્ધતા હોવાથી જલદી સચિત્ત થાય છે ને ચોમાસામાં ભેજ વગેરે કારણે વાતાવરણ અત્યંત સ્નિગ્ધ હોવાથી અતિ શીઘ્ર સચિત્ત થાય છે. જો ઉપરોક્ત સમયથી વધુ સમય સુધી પાણી રાખવું હોય, તો એ સચિત્ત થાય એ પહેલાં જ એમાં ચુનો વગેરે ક્ષાર ભેળવવો પડે.
બાહ્ય (અગ્નિ વગેરે) શસ્ત્રના સંપર્ક વિના જ સ્વભાવથી જ અચિત્ત થઇ ગયેલા પાણીને કેવળજ્ઞાનીઓ, મન:પર્યવ જ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ અને ચૌદપૂર્વધર એવા શ્રુતજ્ઞાનીઓ અચિત્ત તરીકે જાણી શકે છે, છતાં એ પાત્રીનો અચિત્ત તરીકે વપરાશ કરતા નથી, અન્યથા બીજા અલ્પજ્ઞાનીઓ એ પ્રસંગને દૃષ્ટાંત બનાવી એ રીતે સચિત્ત પાણીનો પણ વપરાશ કરવા મંડી પડે.
સચિત્ત વ્યવહારઅંગે પ્રભુ વીરનો પ્રસંગ
સંભળાય જ છે કે ભગવાન મહાવીર સ્વામી પોતાના શિષ્યાદિ પરિવાર સાથે વિહાર કરતા હતાં, ત્યારે એકવાર એ શિષ્યોને એવી તરસ લાગી કે જો પાણી ન મળે, તો મરણાંત કષ્ટ આવે. ત્યારે સામે એક સરોવર આવ્યું, એમાં લીલ-શેવાળ કે ત્રસ જીવો હતા નહીં ને એ સરોવરનું પાણી અચિત્ત થઇ ગયું હતું. ભગવાને કેવળજ્ઞાનથી એ પાણી અચિત્ત છે એમ જાણવા છતાં પોતાના એ શિષ્યોને વાપરવાની રજા આપી નહીં.
એ જ રીતે ભૂખથી પીડાતા શિષ્યોને અચિત્ત તલ ભરેલું ગાડું સામે હોવા છતાં ને એના માલિકની સંમતિ હોવા છતાં, એ તલના પરિભોગની રજા આપી નહીં, એ જ રીતે અચિત્ત સ્થંડિલ ભૂમિ અંગે રજા આપી નહીં.
આ પ્રસંગોએ રજા નહીં આપવાનું કારણ એ હતું કે આ બધા સ્થળે બાહ્ય સામાન્ય શ્રુતજ્ઞાની જાણી શકે એવા શસ્ત્રોના સંપર્ક વિના જ એ અચિત્ત થયા હતાં. તેથી જો એક વાર એ રીતે રજા આપે, તો અલ્પજ્ઞાનીઓ સચિત્ત-અચિત્તનો ભેદ નહીં જાણી શકવાથી ‘આવું સચિત્ત પણ વાપરી શકાય કેમકે પ્રભુએ રજા આપી છે’ એમ માની વારંવાર એમ કરે, ને એકને જોઇ બીજો કરે, પછી શિષ્યાદિ પરંપરામાં પણ ચાલે, એમ ખોટી અનવસ્થા ઊભી થાય.
વળી શ્રુતજ્ઞાનથી જે સચિત્ત મનાય, તે વિશિષ્ટજ્ઞાનથી અચિત્ત દેખાવથી જો વિશિષ્ટજ્ઞાનીઓ વાપરવા માંડે, તો શ્રુતજ્ઞાનીને દરેક સ્થળે હું જેને સચિત્ત માનું છું, એ શું અચિત્ત હશે ? અથવા હું જેને અચિત્ત માનું છું, એ સચિત્ત હોઇ શકે? આમ સંશય પડે, તો શ્રુતજ્ઞાન પ્રમાણભૂત રહે નહીં. તેથી શ્રુતજ્ઞાનના આધારે જ ચાલતા તીર્થનો ઉચ્છેદ થઇ જાય. આમ શ્રુતજ્ઞાનની પ્રમાણતાને ટકાવવા પણ વિશિષ્ટજ્ઞાનીઓ એવા સહજ અચિત્ત થયેલાનો પરિભોગ કરતા નથી. સામાન્ય શ્રુતજ્ઞાની બાહ્ય શસ્ત્ર સંપર્ક વિના પાણી વગેરેમાં અચિત્તનો વ્યવહાર કરતા નથી, તેથી વિશિષ્ટ જ્ઞાનીઓ પણ એ રીતે જ વર્તે છે. તેથી બાહ્ય શસ્ત્રના સંપર્કથી વર્ણવગેરેથી ભિન્ન પરિણામને પામેલા જ પાણી વગેરેને અચિત્ત તરીકે પરિભોગમાં લેવા. (પ્રાય: તેથી જ વર્તમાન કાળમાં સંવિગ્ન ગીતાર્થ ગુરુ ભગવતો ત્રણ ઉકાળાવાળા ઉકાળેલા પાણીનો જ અચિત્ત તરીકે પરિભોગ કરવાની રજા આપે છે. ધોવણ વગેરેના પાણીનો અચિત્ત તરીકે પરિભોગની રજા સામાન્ય સંજોગોમાં આપતા નથી.)
વિવિધ પ્રકરા
૩૦