________________
પીળી માટી સ્વકાયશસ્ત્ર છે. અગ્નિના સંગથી પાણીના જીવો નાશ પામે એ પરકાયશસ્ત્ર કહેવાય. માટી (પૃથ્વીકાય) વાળું પાણી ચોખ્ખા પાણી માટે શસ્ત્ર બને, એ ઉભયકાય શસ્ત્ર કહેવાય. આવા કારણોથી સચિત્ત વસ્તુઓ અચિત્ત બને છે.
ઉત્પલ અને પલ્મો (બંને અલગ અલગ પ્રકારના કમળ છે.) પાણીમાં ઉત્પન્ન થાય છે (ઉદક યોનિવાળા કહેવાય.) તેથી એમને ગરમ તડકામાં રાખવાથી એક પ્રહર (લગભગ ૩ કલાક) પણ ટકતા નથી. એ પહેલા જ અચિત્ત થઇ જાય છે. મોગરાના ફુલો અને મચકુંદ-જુદ વગેરે ઉષ્ણયોનિવાળા મનાયા છે. તેથી તડકા વગેરે ઉષ્ણ સ્થાનમાં લાંબો કાળ સચિત્ત રહે છે. પણ પાણીમાં નાખો, તો એક પ્રહર થાય એ પહેલાં જ અચિત્ત થઇ જાય છે. જ્યારે ઉત્પલ અને પદ્મ પાણીમાં દીર્ઘકાળ સુધી સચિત્ત રહે છે.
પાંદડાઓ, ફલો અને સર ફળો કે જેનું બીજ હજી તૈયાર થયું ન હોય, તથા વત્થલા વગેરે પાંદડા ભાજીઓ અથવા સામાન્યથી બધી કોમળ વનસ્પતિઓના ડીંટિયા કે મૂળ નાલ (પોતાના મૂળ સાથે જોડી રાખે તે ડીંટિયુ વગેરે કહેવાય.) મ્યાન થયેલા દેખાય, તો સમજી શકાય કે આ પાંદડા વગેરે અચિત્ત થયાં છે.
શ્રી ભગવતી સૂત્રમાં છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશકમાં શાલિ (વિશિષ્ટ ચોખા) વગેરે ધાન્યોના સચિત્ત - અચિત્ત વિભાગ આ રીતે બતાવ્યા છે. - હે ભદંત! શાલિ = કલમ વગેરે ચોખા, વ્રીહી = સામાન્ય ચોખા, ઘઉં, જવ, જવવિશેષ, આ ધાન્યો કોઠારમાં, વાંસની બનેલી કોઠીઓમાં, ભીંતવગરના માંચડા પર કે ઘરમાં રહેલા માળિયામાં એના દ્વાર બંધ કરી, છાણ વગેરેથી લેપ કરીને ઢાંકી દીધેલા, સીલ કરી દીધેલા હોય , એના પર મહોર મારી પાકા સીલ કર્યા હોય એ રીતે સંઘરી રાખ્યા હોય, (ટુંકમાં બરાબર બંધ કરેલા કોઠાર વગેરેમાં રાખેલા) હોય, તો કેટલો કાળ યોનિ ટકે? (યોનિ-ફરીથી અંકુરા ઉગી શકે એવી શક્તિ.) હે ગૌતમ! જઘન્યથી (ઓછામાં ઓછું) અંતમુહૂર્ત ટકે. ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ ટકે. એ પછી યોનિ નાશ પામે છે. તેથી બીજ અબીજ (નહીં ઉગી શકે એવા) બને છે. એ જ રીતે કલાય (ત્રિપુટ-વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, ગોળ, ચણા વગેરેની યોનિ ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ ટકે છે. તથા અળસી, કુસુંભક(કુસુંબો) કોદરા, કાંગ, વરટ્ટ, રાલ, કોડુસંગ, સણ, સરસવ, મૂળાના બીજ વગેરેની યોનિ સાત વર્ષ સુધી ટકે છે. પછી એ બીજ યોનિ વિનાનું થાય છે. પૂર્વના આચાર્યોએ રચેલી ગાથાઓ પણ આ જ અર્થને સ્પષ્ટ કરે છે. શ્રી કલ્પબહદુભાષ્યમાં કપાસના બીજની યોનિ ત્રણ વર્ષ પછી નષ્ટ થાય છે એમ કહ્યું છે.
લોટનો કાળ દળેલા લોટમાં મિશ્રતા અંગે પૂર્વાચાર્યો એમ કહે છે કે નહીં ચાળેલો લોટ શ્રાવણ ભાદરવામાં પાંચ દિવસ સુધી, આસો -કારતકમાં ચાર દિવસ સુધી , માગસર-પોષમાં ત્રણ દિવસ સુધી, મહાફાગણમાં પાંચ પ્રહર સુધી, ચૈત્ર-વૈશાખમાં ચાર પ્રહર અને જેઠ-અષાઢમાં ત્રણ પ્રહર (એક પ્રહર = લગભગ ત્રણ કલાક) સુધી મિશ્ર રહે છે. પછી અચિત્ત થાય છે. અને ચાળેલો લોટ અડતાલીસ મિનીટ પછી અચિત્ત થાય છે.
શંકા: સચિત્તના ત્યાગીને આ અચિત્ત થયેલો લોટ કેટલા દિવસ સુધી કહ્યું?
શ્રાદ્ધવિધિ પ્રકરણ