________________
આલાવા છે, તે પ્રાય: પચ્ચીસ શ્લોક પ્રમાણ હોવાથી એ પણ સો શ્વાસોચ્છવાસ પ્રમાણ હોવાથી પ્રથમ પ્રકારના સ્વપ્ન અંગે ચિંતવી શકાય. અથવા ત્યાં પચ્ચીસ શ્લોક પ્રમાણ સ્વાધ્યાય (બીજા પ્રકારમાં સત્તાવીશ શ્લોકો) પણ ચિંતવી શકાય.
પ્રથમ પંચાશકની વૃત્તિમાં એમ કહ્યું છે કે મોહના ઉદયથી સ્ત્રીસંવાદિરૂપ સ્વપ્ન આવે, તો તરત જ ઉઠી જઇ ઈર્યાવહિયા કરી એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસગ્ગ કરવો. એ કર્યા પછી પણ જો પ્રતિક્રમણના સમય પહેલા ઘણું ઉઘવું ઇત્યાદિ રૂપ પ્રમાદ થયો હોય, તો એ જ કાઉસગ્ગ ફરીથી કરવો. એમ સમજાય છે કે દિવસે પણ ઉંઘ આવે ને એમાં એવું સ્વપ્ન આવે, તો આ રીતે કાઉસગ્ગ કરવો જોઇએ. પણ તે કાઉસગ્ગ ત્યારે જ કરવો કે સાંજના પ્રતિક્રમણ વખતે કરવો એનો નિર્ણય બહુશ્રુત જ્ઞાની જ કરી શકે. (હાલ સ્વપ્ન આવે કે નહીં, સવારના પ્રતિક્રમણ પહેલા કુસુમિણ-દુસુમિણ સંબંધી ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉસગ્ન કરવાનો આચાર પ્રચલિત છે.).
સ્વપ્ન વિચાર વિવેક વિલાસ વગેરેમાં સ્વપ્ન વિચાર અંગે એમ લખેલું છે કે :- “સારું સ્વપ્ન જોયા પછી સૂવું નહીં, ને તે જ દિવસે સદ્ગુરુ પાસે જઇ એ સ્વપ્ન કહેવું. જો ખરાબ સ્વપ્ન જોયું હોય, તો તરત સૂઇ જવું ને કોઇને પણ કહેવું નહીં. સમધાતુ (વાયુ, પિત્ત, કફ એ ત્રણે બરોબર) વાળા પ્રશાંત, નિરોગી અને જિતેન્દ્રિય ધાર્મિક પુરુષને આવેલા સારા કે ખરાબ સ્વપ્ન સાચા ઠરે છે.
૧) અનુભવેલું, ૨) સાંભળેલું, ૩) જોયેલું, ૪) પ્રકૃતિ બદલાવાથી, ૫) સ્વભાવથી, ૬) ઘણી ચિંતાથી, ૭) દેવના પ્રભાવથી, ૮) ધર્મના મહિમાથી, ૯) પાપની અધિકતાથી, એમ નવ કારણથી સ્વપ્ન આવે છે. પહેલા જ કારણથી આવતા સ્વપ્ન સારા હોય કે નરસા ફળદાયી બનતા નથી. છેલ્લા ત્રણ કારણથી આવતા સ્વપ્નો ફળ આપે છે. રાતના પહેલા પ્રહરે સ્વપ્ન જોયું હોય, તો બાર માસે ફળ આપે; બીજા પ્રહરે જોયું હોય, તો છ માસે ફળ આપે; ત્રીજા પ્રહરે જોયું હોય, તો ત્રણ માસે ફળ આપે; અને ચોથા પ્રહરે જોયું હોય, તો એક માસે ફળ આપે છે. પાછલી બે ઘડી બાકી રહે ત્યારે જોયેલું દસ દિવસે ને સૂર્યોદય વખતે જોયેલું સ્વપ્ન તરત જ ફળ આપે છે. એકી સાથે ઘણા સ્વપ્નો જોયાં હોય, દિવસે સ્વપ્ન જોયું હોય, ચિંતા અથવા વ્યાધિથી જોયું હોય અને મળમૂત્રાદિકની પીડાથી આવેલું હોય તો તે સર્વ (સ્વપ્ન) નિરર્થક જાણવા. પહેલા અશુભ સ્વપ્ન જોયું ને પછી શુભ સ્વપ્ન જોયું હોય, તો શુભ સ્વપ્ન ફળે. પહેલા શુભ જોઇને પછી અશુભ જોયું હોય, તો અશુભ ફળે. આ અશુભ સ્વપ્ન જોયું હોય તો શાંતિક કૃત્ય કરવાં.
સ્વપ્નચિંતામણિશાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે :- નઠારું સ્વપ્ન જોયું હોય ને રાત બાકી હોય, તો પાછા સૂઇ જવું અને કોઇ રીતે કોઇને પણ કહેવું નહીં. તેથી તે ફળતું નથી. જે સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન ધરે છે, અથવા ભગવાનની સ્તવના કરે છે, અથવા નવકારમંત્રનું સ્મરણ કરે છે; એને આવેલું દુ:સ્વપ્ન ફળ વિનાનું બને છે. ભગવાનની પૂજા રચાવે, ગુરુની ભક્તિ કરે, શક્તિ પ્રમાણે તપ કરે અને સતત ધર્મમાં રત(પ્રવૃત) રહે, તેનું દુ:સ્વપ્ન પણ સુસ્વપ્ન બની જાય છે. જે દેવ-ગુરુનું સ્મરણ કરી અને સારા તીર્થો અને આચાર્યોનું નામ લઇને સુએ છે, તેને કદાપિ ખોટા સ્વપ્ન આવતાં નથી. (સ્વપ્ન અંગેની વાત પૂરી થઇ.).
30
શ્રાદ્ધવિધિ પ્રકરણ