________________
કહ્યું છે કે :- જળ અને પૃથ્વીતત્ત્વમાં નિદ્રાવિચ્છેદ થાય, તો શુભ માટે થાય. પણ આકાશ, વાયુ અને અગ્નિમાં નિદ્રાવિચ્છેદ થાય, તો દુ:ખદાયી જાણવું. શુક્લપક્ષમાં પડવેથી (એકમથી) ત્રણ દિવસ ઉઠતી વખતે ડાબી – ચંદ્રનાડીનો ઉદય સારો અને કષ્ણપક્ષમાં પડવેથી ત્રણ દિવસ ઉઠતી વખતે જમણી સૂર્યનાડીનો ઉદય સારો છે. શુક્લ પ્રતિપદ (એકમથી) પ્રથમ ત્રણ દિવસ ઉઠતી વખતે ચંદ્રનાડીમાં વાયુ વહે, પછી ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુ વહે, પછી ત્રણ દિવસ ચંદ્રનાડીમાં ઇત્યાદિ ક્રમથી નાડી ચાલે, એ પ્રશસ્ત છે. વિપરીત થાય, તો તે અપ્રશસ્ત છે. ઉદયવખતે ચંદ્રનાડીથી વાયુ વહે, તો અસ્ત વખતે સૂર્યનાડીથી વહે એ તથા ઉદયવખતે સૂર્યનાડી ચાલતી હોય, તો અસ્તવખતે ચંદ્રનાડી ચાલે એ શુભ છે.
કેટલાકના મતે સૂર્ય – ચંદ્ર ઉદયઅંગે વારનો ક્રમ ચોક્કસ છે. રવિવારે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે સૂર્યનાડીમાં ઉદય સારો અને સોમવારે, બુધવારે અને શુક્રવારે ચંદ્રનાડીમાં ઉદય સારો છે. (દરેક સ્થળે ઉઠતીવખતે વાયુનો ઉદય અને સૂતી વખતે વાયુનો અસ્ત એવો એક મત છે. ને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમજવા એવો બીજો મત છે.)
બીજા કેટલાકના મતે સંક્રાંતિના ક્રમથી જોવું, જેમકે મેષસંક્રાંતિ સૂર્યનાડીની અને વૃષભસંક્રાંતિ ચંદ્રનાડીની, એમ અનુક્રમથી બાર સંક્રાંતિ સાથે સૂર્ય અને ચંદ્ર નાડીની ગણના કરવી. (સંક્રાંતિ- સૂર્યનો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ. જે રાશિમાં સૂર્ય પ્રવેશે તે રાશિની સંક્રાંતિ કહેવાય. જેમકે સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશે, એ મેષ સંક્રાંતિ કહેવાય.) કેટલાક ચંદ્ર એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તે ક્રમથી નાડી વિચાર કરે છે. - સૂર્યોદય વખતે જે નાડી વહેતી હોય, તે અઢી ઘડી પછી બદલાઇ જાય છે. ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્ર, એમ કૂવાના રેંટની જેમ આખો દિવસ પવન એક નાડીમાંથી બીજી નાડીમાં સંચરણ કર્યા કરે છે. પવનને એક નાડીમાંથી બીજી નાડીમાં સંચરણ કરતા છત્રીસ ગુરુ અક્ષર બોલતા જેટલી વાર લાગે છે, એટલી વાર લાગે છે. (દીર્ધસ્વર અથવા સયુંક્ત વ્યંજનનો પૂર્વસ્વર ગુરુ ગણાય છે.)
પાંચ તત્ત્વની સમજ ઉચ્છવાસ વખતે છોડેલો પવન ઉપર તરફ વહે, તો અગ્નિતત્ત્વ. નીચે તરફ વહે, તો જલતત્ત્વ. તિર્થો પવન વહે. તો વાયુતત્ત્વ. નાસિકાનાં બે પડમાં વહે તો પૃથ્વીતત્ત્વ. અને બધી દિશાએ રે જાય, ત્યારે આકાશતત્ત્વ સમજવું. સૂર્યનાડી અને ચંદ્રનાડીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ અનુક્રમથી તત્ત્વ રૂપે વહે છે.
પૃથ્વીતત્ત્વ પચાસ પળ, જળતત્ત્વ ચાલીસ પળ, અગ્નિતત્ત્વ ત્રીસ પળ, વાયુતત્ત્વ વીશ પળ, આકાશતત્ત્વ દશ પળ વહે.
તત્ત્વોમાં કરવાના કાર્યો ભૂમિ અને જળ તત્ત્વોથી શાંત કાર્યમાં ફળની ઉન્નતિ થાય છે. અગ્નિ, વાયુ અને આકાશતત્ત્વોથી તીવ્ર અને અસ્થિર કાર્યો લાભકારી થાય. જીવિતવ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વર્ષા, પુત્ર સંબંધી કે યુદ્ધસંબંધી પ્રશ્નવખતે તથા ગમન - આગમનવખતે જો પૃથ્વી કે જળતત્ત્વ હોય, તો શુભ ગણાય. પણ જો વાયુ કે અગ્નિતત્ત્વ હોય તો અશુભ સમજવા. પૃથ્વીતત્ત્વમાં ‘અર્થસિદ્ધિ(પ્રયોજનની સિદ્ધિ) સ્થિર થશે” અને જળતત્ત્વમાં ‘શીધ્ર થશે” એમ કહેવું. ૧૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ