________________
આ અર્થ છે – પ્રથમથી જ શ્રાવકે ઓછી નિદ્રાવાળા થવું જોઇએ. પાછલી એક પહોર રાત રહે, ત્યારે અથવા સવાર થતાં પહેલાં ઉઠવું જોઇએ. એમ કરવાથી આ લોકમાં યશ, બુદ્ધિ, શરીર, ધન, વ્યાપારાદિકનો અને પારલૌકિક ધર્મકૃત્ય, વ્રત, પચ્ચકખાણ, નિયમ વગેરે ઘણા લાભ છે. જો તેમ ન કરે, તો ઉપરોક્ત લાભની હાનિ થાય છે. લૌકિકશાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે ?
કામકાજ કરનારા લોકો જો વહેલા ઉઠે, તો તેઓને ધનની પ્રાપ્તિ થાય અને ધર્મી પુરુષ જો વહેલા ઉઠે, તો તેઓ પોતાના પારલૌકિક કૃત્યો કરી શકે. જે સૂર્યોદય વખતે પણ ઉંઘમાં જ હોય, તેના ત્રણ (બુદ્ધિ, ઋદ્ધિ, અને આયુષ્ય)ની હાનિ થાય છે. પાછલા પહોર રાત રહેતાં ઉઠી ન શકાય, તો પણ પંદર મુહૂર્તની (બાર કલાક) રાત ગણાય. એમાં ચૌદમાં બ્રાહ્મ મુહૂર્ત (ત્યારે રાત લગભગ ચાર ઘડી બાકી રહે છે.) તો છેવટે ઉઠી જ જવું જોઇએ.
નવકાર બોલતા બોલતા ઉઠેલા શ્રાવકે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ (= વિચારો કરવો. દ્રવ્યથી વિચારવું કે, “હું કોણ છું, શ્રાવક છું કે અન્ય?” ક્ષેત્રથી વિચાર કરે કે, શું હું પોતાને ઘરે છું કે પરેઘરે છું? દેશમાં છું કે પરદેશમાં છું? માળ ઉપર સૂતો છું કે નીચે સૂતો છું? કાળથી વિચાર કરે છે, અત્યારે રાત છે કે દિવસ? ભાવથી વિચાર કરે કે, લઘુનીતિ (- પેશાબ) વગેરેની શંકા તો નથી ને? એમ વિચાર કરવાપૂર્વક નિદ્રા રહિત થાય. આ પ્રમાણે વિચારવા છતાં જો નિદ્રા ન રોકાય, તો શ્વાસને રોકી નિદ્રામુક્ત બને, પછી દરવાજો ક્યાં છે? એ જોઇને લઘુનીતિ વગેરે કાર્યો પતાવે. - સાધુઅંગે ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે - દ્રવ્યાદિનો ઉપયોગ કરે, શ્વાસ નિરોધે, પછી પ્રકાશવગેરે જુએ.
વહેલી સવારે હજી રાત હોવાથી જો કોઇ કાર્યવગેરે બીજાને જણાવવું હોય, તો મંદસ્વરે (હળવેથી) બોલવું. રાતે તો બોલવું, ખુંખારો ખાવો, ખાંસી ખાવી, હુંકાર વગેરે કરવા આ બધામાંથી કશુંય મોટા સ્વરે કરવું જોઇએ નહીં, કેમકે એમ કરવાથી જાગેલાં ગરોળી વગેરે હિંસક જીવો માખી વગેરેને ઉપદ્રવ આદિ આરંભ (જેમાં જીવોની હિંસા થાય એવા કાર્યો કરે. પાડોશી જાગે તો પોતે પોતાના સંસારકાર્યો શરુ કરે. પનિહારી, રાંધનારી, વેપારી, શોક કરવાવાળા, મુસાફરો, ખેડૂતો, વનમાં જઇ પાન-ફૂલ-ફળ છેદનારા, રહેંટ – કોશ ચલાવનારા, ઘાણી પીલનારા, પથ્થર ફોડવાવાળા, રેટીંયા ફેરવનારા, ધોબી, કુંભાર, સુથાર, જુગારી, શસ્ત્રકાર, દારૂની ભઠ્ઠી કરનારા, માછી, ખાટકી, વાઘરી, જાળ પાથરવાવાળા, પારધી, હિંસા કરનારા, લુંટારા, પરસ્ત્રીગમન કરનાર, ચોર, ધાડ પાડનારા વગેરે એક જાગે એટલે બીજો જાગે એવી રીતે જાગૃત થઇ પોતાના હિંસાઆદિ જનક ખોટા કાર્યોમાં પ્રવૃત્ત થાય. આમ એમના એ પાપકાર્યમાં નિરર્થક નિમિત્ત બનવાના દોષ લાગે.
શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કેઃ- વત્સ દેશના રાજાની બહેન જયંતી શ્રાવિકાને શ્રી વર્ધમાનસ્વામીએ કહ્યું કે “ધર્મીઓનું જાગવું અને પાપીઓને સૂવું હિતકર છે.”
નાડી અને તત્ત્વ વિચારણા જાણકારોએ ઉંઘમાંથી ઉઠતી વખતે જાગતી વખતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વોમાંથી કયા તત્ત્વનો સંચાર છે, તે જાણવું જોઇએ. શ્રાદ્ધવિધિ પ્રકરણ