________________
મહામોહનો મિત્ર બનેલો તે હકીકતમાં તો દેવલોક અને મોક્ષના સુખથી પોતાને જ છેતરે છે.
નીતિના પ્રભાવપર હલાક શેઠનું દષ્ટાન્તા ‘આમ નીતિ રાખીશું તો ધન વિનાના થઇ ગયેલા અમારો નિર્વાહ શી રીતે થશે?' એવું માનવું પણ ઉચિત નથી. નિર્વાહ ખોટું કરવાથી નથી થતો, પણ પોતાના પુણ્યકર્મથી જ થાય છે. વળી નીતિ જાળવવાથી ઘણા ઘરાકો આવવા વગેરેથી તો વિશેષ રીતે નિર્વાહ થાય છે. અહીં દૃષ્ટાંત બતાવે છે. -
એક નગરમાં હલાક નામના શેઠ રહેતા હતા. એને ચાર પુત્રો હતા. ત્રણ શેર, પાંચ શેર વગેરે વજનથી જ્યારે ધાન્યાદિ ખરીદવાના-વેંચવાના હોય, ત્યારે પુત્રોને ‘ત્રિપુષ્કર’ ‘પાંચપુષ્કર” વગેરે સંકેતથી ગાળો આપી ખોટા માપ-તોલથી ધંધો કરતો હતો. (ચાર શેર લેવું હોય, તો પંચ પુષ્કર બુમ પાડે. તેથી એ લખેલું ચાર શેર ને હોય પાંચ શેર એવું વજન-માપ લઇને આવે. જ્યારે વેંચવાનું હોય, ત્યારે ત્રિપુષ્કર બોલે... વજન-માપ પર લખાણ ચાર શેર હોય, પણ હકીકતમાં વજન ત્રણ શેર જ હોય. ઇત્યાદિરૂપે અનીતિ કરે.)
એકવાર આ ચાલાકીની વાત સૌથી નાના પુત્રની પત્નીએ જાણી. તે ઘણી સમજુ હતી. એણે સસરાને ખુબ ઠપકો આપ્યો. ત્યારે શેઠે બચાવમાં કહ્યું – શું કરું? એ સિવાય ગુજરાન ચલાવવું અઘરું છે. ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો? વગેરે.... ત્યારે એ પુત્રવધુએ કહ્યું – પિતાજી! એમ નહીં કહો, કેમકે વ્યવહારશુદ્ધિ (વેપારમાં નીતિ) જ બધા પ્રયોજનની સાધિકા બને છે. તેથી તમે પરીક્ષા ખાતર છે મહીના માટે આ રીતે અનીતિ નહીં કરતાં. જોઇએ તો ખરા કે નીતિથી ગુજરાન ચાલે છે કે નહીં? મને ખાતરી છે કે ધનની વૃદ્ધિ જ થશે. પરીક્ષા કાળ પત્યે છ મહીના પછી તમને ઉચિત લાગે તેમ કરજો.
પુત્રવધુની વાત સ્વીકારી શેઠે પણ છ મહીના એ રીતે નીતિ - વ્યવહારશુદ્ધિ જાળવી. તેથી ઘણા ઘરાકો આવવા વગેરે કારણે ખૂબ કમાયા. નિર્વાહ સુખેથી ચાલવા માંડ્યો. ઉપરાંતમાં એક પલ (ચાર તોલા) જેટલું સોનું પણ થયું. પછી ‘ન્યાયથી કમાયેલું ધન ખોવાઇ જાય તો પણ પાછું આવે છે.” એવું એ પુત્રવધુનું વચન સાંભળી એના કહેવાથી જ એ વાતની પરીક્ષા કરવા એ સોનાપર લોખંડ વીંટાળી પોતાના નામનું કાટલું બનાવી છ મહીના સુધી એ કાટલાથી ધંધો કર્યો.પછી એ કાટલું તળાવમાં ફેંક્યું. માછલાએ ભક્ષ્ય માની ગળે ઉતારી નાખ્યું. એ માછલો માછીમાર પડ્યો. પછી એનું પેટ ચીરતા એમાંથી એ કાટલું નીકળ્યું. નામ વાંચતા શેઠનું જાણી માછીમારે શેઠને પાછું સોપ્યું.
તેથી પૂરા પરિવાર સહિત શેઠને ખાતરી થઇ ગઇ, કે નીતિથી જ કમાણી વધે છે ને એ ધન કદી ખોવાતું નથી. પછી તો એ રીતે જ સારી રીતે વ્યવહારશુદ્ધિ જાળવી ખૂબ જ સમૃદ્ધ બન્યો. રાજાને પણ માન્ય બન્યો. પોતે શ્રેષ્ઠ શ્રાવક બન્યો. પછી તો બધા લોકોમાં એવી પ્રસિદ્ધિ થઇ કે આ શેઠનું નામ લેવા માત્રથી આપણા વિદ્ગો ટળી જાય છે. સંભળાય છે કે આજે પણ મોટા વહાણ દરિયાવગેરેમાં ચલાવતીવખતે નાવિકો “હેલા...હેલા...' એમ મોટેથી બોલે છે. આ વ્યવહારશુદ્ધિઅંગે દૃષ્ટાંત છે.
સ્વામી, મિત્ર, વિશ્વાસમાં રહેલા, દેવ, ગુરુ, વૃદ્ધ (ઘરડા) અને બાળકનો દ્રોહ કરવો કે એમની પોતાને ત્યાં રહેલી થાપણ ઓળવી જવી (ગળી જવી) વગેરે તેમની હત્યા કરવા જેવા મોટા પાપ છે, તેથી તેઓ સાથે વિશેષ કરીને આવા કાળા કામ જરા પણ કરવા નહીં. કહ્યું છે – ૧) ખોટી સાક્ષી આપનારો ૨) દીર્ઘ રોષવાળો (દીર્ઘકાળ સુધી ક્રોધમાં રહેનારો) ૩) વિશ્વાસે રહેલાનો દ્રોહ કરનારો અને ૪) કૃતઘ્ન (બીજાના ઉપકારને ભૂલી જઇ એના પર અપકાર કરનારો) આ ચાર કર્મચંડાલ છે, ૧૩ર.
શ્રાદ્ધવિધિ પ્રકરણ