________________
(પોતાના કાર્યથી ચંડાલ બન્યા છે.) જાતિથી ચંડાલ તો પાંચમાં નંબરે છે. અહીં વિસેમિરા દૃષ્ટાંત છે.
વિશ્વાસઘાતપર વિસેમિરા દષ્ટાન્ત વિશાળા નગરમાં નંદ નામે રાજા હતો. એને વિજયપાળ નામનો પુત્ર હતો. રાજાને બહુશ્રુત નામનો મંત્રી હતો. ભાનુમતિ નામની રાણી હતી. રાજા રાણીમાં અત્યંત આસક્ત હતો. તેથી રાજસભામાં પણ રાણીને પોતાની બાજુમાં બેસાડે. એવું વચન છે કે – જો રાજાને વૈદ, ગુરુ અને મંત્રી માત્ર પ્રિય જ કહેનારા હોય, તો રાજા ક્રમશ: શરીર, ધર્મ અને ધનભંડારના વિષયમાં ક્ષય પામે છે. તેથી મંત્રીએ રાજાને કડવું સત્ય કહ્યું – સ્વામિન્ ! રાણીને સભામાં પાસે બેસાડવી ઉચિત નથી. કેમકેઅગ્નિ, ગુરુ અને પત્ની આ ત્રણે અત્યંત નજીક આવે તો વિનાશ કરનારા બને છે. અત્યંત દૂર રહે તો તેમનાથી કશો લાભ થતો નથી. તેથી રાજાએ આ ત્રણેને મધ્યભાવથી જ સેવવા.. (બહુ નજીક કે બહુ દૂર નહીં રાખવા.) તેથી તમે રાણીના રૂપનું ચિત્ર તૈયાર કરાવી સાથે રાખો.
રાજાએ એ વાત સાંભળી ચિત્ર તૈયાર કરાવડાવ્યું. પછી પોતાના ગુરુ શારદાનંદનને બતાવ્યું. શારદાનંદને પોતાની જ્ઞાની તરીકે વિશેષ છાપ ઉપજાવવા કહ્યું – રાણીને ડાબા સાથળ તલ છે, તે આ ચિત્રમાં બતાવ્યો નથી. આ સાંભળી રાજાના મનમાં શારદાનંદ અંગે ખોટો શક ઊભો થયો. તેથી મંત્રીને કહ્યું - આ શારદાનંદને મારી નંખાવો. ગુણકારી કે અવગુણકારી (સારું કે ખોટું) કશું પણ કરતી વખતે પંડિત પુરુષે પહેલા તેના પરિણામનો પ્રયત્નપૂર્વક વિચાર કરી લેવો જોઇએ. અત્યંત ઉતાવળમાં કરી નાખેલા કાર્યોનું જ્યારે પરિણામ આવે છે, ત્યારે તે પરિણામ હૃદયને બાળનારા શલ્ય જેવો બની રહે છે. કોઇ કાર્ય વગર વિચારે-સહસા કરવું નહીં. કેમકે એ અવિવેક છે, ને તે આપત્તિનું સ્થાન છે. જે વિચારીને કાર્ય કરે છે, એને એના ગુણોથી લોભાયેલી સંપત્તિ સામે ચાલીને વરે છે.” આવું નીતિશાસ્ત્રમાં કહેલું વચન યાદ કરીને મંત્રીએ શારદાનંદને મારી નાખવાના બદલે પોતાના ઘરે છુપી રીતે રાખ્યાં.
એકવાર વિજયપાળ રાજકુમાર શિકાર કરવા નીકળ્યો. એમાં એક ભૂંડની પાછળ ઘોડો દોડાવવામાં એ ઘણો આગળ નીકળી ગયો. સાંજ પડી ગઇ. તેથી એ એક તળાવમાં પાણી પીને રાતે વાઘના ભયથી ઝાડપર ચડી ગયો. એ ઝાડપર વ્યંતરદેવથી અધિષ્ઠિત વાંદરો બેઠો હતો. એ વાંદરાએ પહેલા આ રાજકુમારને ખોળામાં સુવડાવી એની ચોકી કરી. પછી રાજકુમારના ખોળામાં સુઇ ગયો.
ત્યાં ભૂખ્યો વાઘ આવ્યો. વાઘે રાજકુમારને કહ્યું – તું આ વાંદરાને પાડે, તો હું એને ખાઈ જતો રહીશ... તને અભયદાન મળશે. તેથી રાજકુમારે પોતાના વિશ્વાસે સુતેલા વાંદરાને નીચે ફેંક્યો. વાંદરો વાઘના મોંમાં પડ્યો. પણ તે વખતે વાઘને હસવું આવી જવાથી વાંદરો એના મોંમાંથી છટકી પાછો ઝાડપર ચડી ગયો, પણ વાંદરો ખુશ થવાને બદલે રોવા માંડ્યો. ત્યારે વાઘે પૂછ્યું- કેમ રડે છે? ત્યારે વાંદરાએ કહ્યું- હે વાઘ! હું તેઓ માટે રડું છું કે પોતાની જાતિ છોડી જેઓ પરજાતિમાં રક્ત બને છે, તે જડોનું ભવિષ્યમાં શું થશે? વાંદરો જાણે કે ટોણો મારે છે કે મારા જાતભાઇઓને છોડી આ માણસ પર વિશ્વાસ રાખ્યો, તો મને આ તકલીફ આવી.
આ સાંભળી લજ્જા પામેલા રાજકુમારને વાંદરામાં રહેલા વ્યંતરે ગ્રહિલ (= ગ્રહ - વ્યંતરાદિના ઉપદ્રવવાળો) બનાવી દીધો. તેથી એ આખો દિવસ ‘વિસેમિરા’ ‘વિસેમિરા બોલ્યા કરે. શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૩૩