________________
બરાબર ઉપયોગ રાખી ભક્તિથી બહુમાનપૂર્વક ગુરુનો ઉપદેશ સાંભળવો. વળી ગુરુની આશાતના ટાળવા સિદ્ધાંતમાં કહેલી વિધિથી ગુથી સાડા ત્રણ હાથનું અવગ્રહક્ષેત્ર છોડી તેની બહાર જીવજંતુરહિત ભૂમિએ બેસીને ધર્મદેશના સાંભળવી. કહ્યું જ છે કે – શાસ્ત્રમાં નિંદિત આચરણ (શાસ્ત્ર જે આચરણોને પાપરૂપ ગણાવ્યા છે, તેવા આચરણ) આચરવાથી ઉત્પન્ન થયેલા તાપનો નાશ કરવામાં સમર્થ એવો સદગુરુના વદનરૂપ મલયાવર્તથી નીકળેલા વચનરૂપ સત્ (શીતલ) ચંદન સ્પર્શ ધન્ય પુરુષને જ મળે છે.
ધર્મદેશના સાંભળવાથી (૧) અજ્ઞાનનો અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે, (૨) તત્ત્વનું સમ્યમ્ જ્ઞાન થાય છે, (૩) સંશય ટળે છે, (૪) વ્યસનઆદિ ઉન્માર્ગથી પાછા ફરવાનું મન થાય છે, (૫) સન્માર્ગમાં પ્રવૃત્તિ થાય છે, (૬) કષાય આદિ દોષોનો ઉપશમ થાય છે, (૭) વિનય આદિ ગુણોની પ્રપ્તિ થાય છે, (૮) સત્સંગતિનો લાભ મળે છે, (૯) સંસારપર વૈરાગ્ય જાગે છે, (૧૦) મોક્ષની ઇચ્છારૂપ સંવેગ જાગે છે, (૧૧) સમ્યકત્વ, દેશવિરતિ અથવા સર્વવિરતિ (સાધુધર્મ) પ્રાપ્ત થાય છે. (૧૨) અંગીકાર કરેલી દેશવિરતિ અથવા સર્વવિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય છે. વગેરે અનેક લાભો થાય છે. નાસ્તિક પ્રદેશ રાજા, શ્રીઆમરાજા, શ્રીકુમારપાળરાજા, થાવગ્ગાપુત્ર વગેરે અહીં દૃષ્ટાંતભૂત છે.
કહ્યું છે કે - જિનેશ્વર ભગવાનનું સંભળાયેલું વચન બુદ્ધિના મોહને હરે છે, કુપંથનો ઉચ્છેદ કરે છે, સંવેગને પ્રગટાવે છે. પ્રશમભાવનો ઉદ્ભવ કરે છે, વૈરાગ્યભાવને જન્મ આપે છે, વિશેષ હર્ષનું આધાન કરે છે. અથવા જિનેશ્વરનું વચન શ્રવણદ્વારા શું શું નથી આપતું? જિનવચનથી ઉદભવેલા ‘શરીર ક્ષણભંગુર છે. બાંધવ બંધન સમાન છે. લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરે છે.” ઇત્યાદિરૂપ સંવેગ વગેરે ગુણો મનુષ્યો પર કયો કયો ઉપકાર કરતાં નથી ? અહીં પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે.
પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દષ્ટાંત શ્વેતાંબી નગરીમાં પ્રદેશ રાજા હતો. એને ચિત્ર નામનો મંત્રી હતો. ચિત્ર મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકેશી ગણધર પાસે શ્રાવતિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એ મંત્રીની વિનંતીપર શ્રી કેશી ગણધર શ્વેતાંબી નગરીમાં પધાર્યા. ચિત્ર મંત્રી અથવાહિકા (ઘોડા ખેલવવા) ના બહાના હેઠળ પ્રદેશી રાજાને કેશી ગણધર પાસે લઇ ગયો. ગર્વસાથે પ્રદેશી રાજાએ શ્રીકેશી ગણધરને કહ્યું - હે મહર્ષિ ! ધર્મ વગેરે કશું જ નથી. તેથી તમે આ (તપ-જપ આદિ) કષ્ટ વ્યર્થ સહન કરો નહીં. મારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતા. એ બંનેને મેં એમના મરણ વખતે ઘણું કહ્યું હતું કે સ્વર્ગના સુખ કે નરકમાં દુ:ખ જે મેળવો તે મને જણાવજો. છતાં મરણ પછી તે બંનેમાંથી એકે મને કશું કહેવા આવ્યા નથી.
વળી એક ચોરના મેં તલ જેવા ટુકડે ટુકડા કરી નાખ્યા, પણ ક્યાંય જીવ દેખાયો નહીં. તેમ જ જીવતા તથા મરણ પામેલા માણસને તોલતાં વજનમાં કશો ફરક દેખાયો નહીં. તથા એક વખત છિદ્ર વિનાની કોઠીમાં એક માણસને પૂર્યો. એમાં મરી ગયેલા એ માણસના શરીરમાં ખડબદતાં અસંખ્ય કીડા મેં જોયા. પણ એ માણસના જીવને જવા માટેનો કોઇ દરવાજો મને એ કોઠીમાં દેખાયો નહીં. આ રીતે જીવના અસ્તિત્વ અંગે ઘણી પરીક્ષા કરી. છતાં ક્યાંય જીવ દેખાયો નહીં, તેથી હું નાસ્તિક થઇ ગયો છું. ૧૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ