________________
પૂનમનો ચાંદ આકાશમાં ઉદય પામ્યો ત્યારે કર્મસારે પુણ્યસારને કહ્યું- ભાઇ! પેલું ચિંતામણી રત્ન કાઢ તો જોઇએ તો ખરા, એનું તેજ વધારે છે કે આ ચંદ્રનું! તેથી પુણ્યસારે એ રત્ન કાર્યું. પછી વહાણના કિનારે ઊભા રહી એ રત્નને હાથમાં રાખી એકવાર ચંદ્ર તરફ અને બીજીવાર રત્ન તરફ જોવા માંડ્યા કે કોનું તેજ વધે છે! પણ દુર્ભાગ્યથી આમ કરવા જતાં રત્ન હાથમાંથી પડી ગયું અને એમના મનોરથની સાથે રત્ન પણ સમુદ્રમાં ડુબી ગયું. તેથી અત્યંત દુ:ખી થયેલા બંને ફરી પોતાના નગરમાં આવ્યાં. ત્યાં જ્ઞાની સાધુના દર્શન થયા. બંનેએ સાધુને પોતાનો પૂર્વભવ પૂક્યો. જ્ઞાની સાધુએ કહ્યું છે
ચંદ્રપુર નગરમાં જિનદત્ત અને જિનદાસ નામના બે પરમ શ્રાવક શેઠ વસતા હતા. એકવાર બીજા શ્રાવકોએ ભેગું થયેલું ઘણું જ્ઞાનદ્રવ્ય જિનદત્તને અને સાધારણદ્રવ્ય જિનદાસ શેઠને રક્ષણ માટે સોપ્યું. બંને એ દ્રવ્યોની સારી રીતે રક્ષા કરવા માંડ્યા. એકવાર જિનદત્તે પોતાની પોઠીમાં કાં'ક ગાઢ દેખાતુ લખાણ લેખક પાસે લખાવ્યું. તે વખતે પોતાની પાસે બીજું ધન નહીં હોવાથી આ લખાણ એ પણ જ્ઞાનનું જ સ્થાન છે એમ માની જ્ઞાનદ્રવ્યમાંથી બાર સિક્કા (દ્રમ્મ) લેખકને આપ્યા. જિનદાસે તો “સાધારણ દ્રવ્ય સાતે ક્ષેત્રમાં વાપરવા યોગ્ય ગણાય. તેથી શ્રાવકયોગ્ય પણ ગણાય. હું પણ શ્રાવક છું” (તેથી મારામાટે વાપરું તો પણ દોષ નહીં લાગે) એમ વિચારી પોતાના ઘરના ગાઢ પ્રયોજન માટે પોતાની પાસે બીજું દ્રવ્ય ત્યારે ન હોવાથી એ સાધારણ દ્રવ્યમાંથી બાર સિક્કા વાપર્યા.
પછી મરીને બંને તે દુષ્કર્મોના પ્રભાવે પહેલી નરકે ગયા. વેદાંતમાં પણ કહ્યું છે - પ્રભાસ્વ (સાધારણ દ્રવ્ય) અંગે કંઠગત પ્રાણ આવી જાય (મરવાની નોબત આવી જાય), તો પણ ખોટી બુદ્ધિ કરવી નહીં. અગ્નિથી બળેલા ફરીથી ઉગે છે, પણ પ્રભાસ્વથી બળેલા ઉગતા નથી (ઉદય પામતા નથી.) પ્રભાસ્વ, બ્રહ્મહત્યા, ગરીબનું ધન, ગુરુપત્ની અને દેવદ્રવ્ય (આટલા અંગે ખોટું કાર્ય) સ્વર્ગમાં રહેલાનું પણ પતન કરે છે.
પહેલી નરકમાંથી બહાર નીકળેલા બંને સાપ થયા. પછી બીજી નરકે ગયા. પછી ગીધ બન્યા, પછી ત્રીજી નરકમાં ગયા. એમ એક-બે વગેરે ભવોના વચ્ચે-વચ્ચે આંતરા સહિત બંને સાતે નરકમાં જઇ આવ્યા. પછી એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પચૅન્દ્રિય તિર્યંચ આ બધામાં બાર હજાર ભવો કરી ખૂબ દુ:ખ ભોગવ્યા. પછી એ દુષ્કર્મ ઘણું ખપી ગયા પછી તમે બંને આ ભવ પામ્યા છો. તમે બંનેએ બાર દ્રમ્મનો ઉપયોગ કર્યો હતો. તેથી બાર હજાર ભવોમાં દુ:ખ પામ્યા. આ ભવમાં પણ બાર-બાર કરોડ સોનામહોર ગુમાવ્યા. અને બાર વાર મોટા પ્રયત્ન કરવા છતાં મળેલા ધનની હાનિ, પર ઘરમાં નોકરપણું વગેરે ઘણા દુ:ખ પામ્યા. એમાં પણ કર્મચારે પૂર્વભવમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કર્યો હતો, તેથી બુદ્ધિહીન પ્રજ્ઞાહીન થયો. આ સાંભળી બંનેએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રાયશ્ચિતતરીકે બાર દ્રમ્મના હજાર ગુણા ક્રમશ: જ્ઞાનખાતે અને સાધારણખાતે કમાતાની સાથે આપી દવાનો નિયમ લીધો. આ નિયમના પ્રભાવે બંનેના પૂર્વભવીય કર્મ ક્ષય પામ્યા. તેથી ધન કમાયા. એથી હજાર ગણું ધન જ્ઞાન અને સાધારણ ખાતે આપી ઋણમુક્ત થયા. એ પછી બાર કરોડ સોનામહોર કમાયા. તેથી શ્રીમંત સુશ્રાવક થઇ સારી રીતે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યની રક્ષા અને તે તે દ્રવ્યની વૃદ્ધિ વગેરે કર્યા. સારી રીતે શ્રાવક ધર્મ પાળી, દીક્ષા લઇ મોક્ષ પામ્યા.
આ જ્ઞાનદ્રવ્ય - સાધારણદ્રવ્ય સંબંધી કર્મચાર-પુણ્યસારની કથા છે. શ્રાદ્ધવિધિ પ્રકરણ