________________
સંખ્યાબંધ ક્રિયાઓ એવી છે કે આપણી લાખ ઇચ્છા છતાં એને આપણે અમલી બનાવી શકતા નથી અને સમસ્ત જીવન દરમ્યાન કદાચ આપણે એને અમલી બનાવી શકવાના પણ નથી પણ ઇચ્છાઓનું જગત એવું છે કે ત્યાં આપણે પૂરેપૂરા સ્વતંત્ર છીએ. કોઈ પણ પરિબળ એવું નથી કે જે આપણા ઇચ્છાસ્વાતંત્ર્ય પર તરાપ મારી શકતું હોય અને છતાં ખેદની વાત છે કે જે ક્રિયા સ્વાતંત્ર્ય આપણને મળ્યું નથી એના બળાપામાં જે ઇચ્છા સ્વાતંત્ર્ય આપણને મળ્યું છે એનો સદુપયોગ આપણે કરતા નથી.
જે બાળકની ઉંમર માત્ર આઠ વરસની જ હતી એ બાળકના શરીરનું વજન અઠ્ઠાવન કિલો હતું. મા-બાપની ચિંતાનો કોઈ પાર નહોતો.
પરંતુ એ જ બાળક આઠ વરસની વયે અઢાર વરસના યુવક જેટલી બુદ્ધિ ધરાવતું થઈ ગયું. માબાપના આનંદનો પાર ન રહ્યો. વધુ ભયંકર શું ? વધુ પડતું વજન કે વધુ પડતી બુદ્ધિ ?