________________
કાદવ ઉછાળવામાં મળતી સફળતા જો ત્રાસદાયક છે તો અત્તર છાંટવામાં મળતી નિષ્ફળતા પણ આનંદદાયક છે આ વાત તો આપણા મગજમાં બેસે છે પણ પાપો કરતાં રહેવામાં મળી જતી સફળતા પણ પાપરૂપ છે અને ધર્મ કરતા રહેવામાં મળી જતી નિષ્ફળતા પણ ધમરૂપ છે આ વાત આપણા મગજમાં બેસાડી દેવાની જરૂર છે. પાપનો ઉત્સાહ આપણો તૂટીને જ રહેશે. ધર્મનો ઉત્સાહ વધતો જ રહેશે.
જમીન પર ખેડૂત ખાતર જ નાખે છે, તેજાબ નહીં. મમ્મી દૂધમાં મેળવણ જ નાખે છે, લીંબુ નહીં. માણસ આંખમાં સુરમો જ નાખે છે, ધૂળ નહીં. શ્રીમંત તિજોરીમાં પૈસા જ મૂકે છે, પથરા નહીં પણ કોણ જાણે કેમ, મારા મનમાં હું એવું બધું જ નાખતો રહું છું કે જે મારા મનને ઉકરડો બનાવીને જ રહે ! પ્રભુ, મને સદ્ગદ્ધિ અર્પો !