________________
ભણવાની વયમાં બાળકને મળતું ક્રિકેટ રમવાનું સુખ જો સારું નથી તો શરીરમાં રોગ પેદા થઈ ગયા બાદ પીવી પડતી કડવી દવાનું દુઃખ ખરાબ પણ નથી. કૂતરાને ખાવા મળતા વિષમિશ્રિત મોદકનું સુખ જો સારું નથી તો પાંજરાપોળમાં બળદને ખીલે બંધાઈ રહેવાનું પડતું દુઃખ ખરાબ નથી. આ વાસ્તવિકતાએ એક સમજણ મને બરાબર આપી દીધી છે કે સુખો બધાય વખાણવાલાયક હોતા નથી તો દુઃખો બધા વખોડવાલાયક પણ હોતા નથી.
કૂતરાને પૈસાથી ખરીદી લેવામાં સફળ બની ગયેલા યુવકના ચહેરા પર મેં નિરાશા જોઈ. કારણ પૂછ્યું. એણે એટલું જ જણાવ્યું કે હું એમ માનતો હતો કે જે કૂતરો પૈસાથી ખરીદાઈ ગયો છે એ કૂતરો પૈસાથી પૂંછડી પણ પટપટાવશે પણ મને એમાં નિષ્ફળતા જ મળી. મેં એને પ્રેમ આપ્યો એ પછી જ એણે પૂંછડી પટપટાવી.'