________________
યુદ્ધના મેદાનમાં શત્રુને પરાજિત કરવો છે? શસ્ત્રો ઓછાં હોય તો ચાલી જાય. શસ્ત્રો કદાચ નબળાં હોય તો ય ચાલી જાય પરંતુ હૃદયમાં શત્રુ પ્રત્યે જાલિમ દ્વેષભાવ ન હોય એ તો ન જ ચાલે.
કર્મશત્રુઓનો સફાયો કરી દઈને આત્માને મુક્તિપદે બિરાજમાન કરી દેવો છે? સાધનાઓ ઓછી હશે, ચાલી જશે. સાધનાઓ નબળી હશે, એક વાર એ પણ ચાલી જશે; પરંતુ સાધનાઓ પ્રત્યે હૃદયમાં જબરદસ્ત બહુમાનભાવ નહીં હોય તો એ તો નહીં જ ચાલે !
જમાનો જ્યારે પાછળ હતો, વિજ્ઞાન જ્યારે વિકસિત થયું નહોતું ત્યારે મારા ઘરના દરવાજા પર ‘ભલે પધાર્યા આવા લખાણવાળું બોર્ડ રહેતું હતું. આજે જમાનામાં અને વિજ્ઞાને ખૂબ વિકાસ કર્યો છે, હું પણ ભણી-ગણીને ચાલાક થઈ ગયો છું. ‘રજા સિવાય અંદર આવવું નહીં આવા લખાણવાળું બોર્ડ મારા ઘરના દરવાજા પર આવી ગયું છે.