________________
પાંજરામાં પોપટને પુરાવું પડે છે, કાગડાને નહીં. વાડ ખેતરની આસપાસ હોય છે, ઉકરડા આસપાસ નહીં. તિજોરીમાં હીરાને કેદ થવું પડે છે, કાચના ટુકડાને નહીં. નિયંત્રણો સતી પર હોય છે, વેશ્યા પર નહીં. કાગડાથી મીઠાઈને બચાવવાની હોય છે, વિષ્ટાને નહીં.
આ વાસ્તવિકતા એટલું જ કહે છે કે તમે જો ઉત્તમને પામવા માગો છો અને ઉત્તમ બનવા માગો છો તો તમારે નિયંત્રણો પ્રત્યે આદરભાવ અને સ્વીકારભાવ ઊભો કરી દેવો જ પડશે..
ચીકુના ઝાડ નીચે ઊભા રહીને મેં કેરીની અપેક્ષા રાખી. એ અપેક્ષા સફળ ન થઈ.
મને ખ્યાલ આવી ગયો કે કાં તો મારે ઝાડ બદલી નાખવું જોઈએ અને કાં તો મારે મારી અપેક્ષા બદલી નાખવી જોઈએ. એ સિવાય મારી સ્વસ્થતા ટકવી અશક્ય જ છે. પ્રસના રહેવાના આ રહસ્યને હું હંમેશાં અકબંધ રાખી શકીશ ખરો ?