________________
આપણને જો એમ લાગ્યા કરતું હોય કે “મારી ઇચ્છા પૂરી થતી નથી માટે હું દુઃખી છું’ તો આપણે સહેજ ભૂતકાળ તરફ નજર નાખી દેવા જેવી છે. જેટલી જેટલી આપણી ઇચ્છાઓ પૂરી થઈ ગઈ છે એ તમામે આપણને સુખની જ અનુભૂતિ કરાવી છે એવું કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા ?
બાકી સાચુ કહું? આજે આપણે ગાંડાની હૉંસ્પિટલમાં એટલા માટે નથી કે આપણી બધી જ ઇચ્છાઓ પૂરી થઈ નથી. પૂરી થતી નથી.
હું એમ માની બેઠો હતો કે જીવનમાં પ્રવૃત્તિ ન હોવી એ શ્રાપ છે.
બસ, આ માન્યતાના આધારે મેં જીવનમાં પ્રવૃત્તિઓ બેસુમાર વધારી તો દીધી પણ આટલાં વરસોના પ્રવૃત્તિસભર જીવનના અનુભવ પરથી હું આ તારણ પર આવ્યો છું કે જીવનમાં પ્રવૃત્તિ ન હોવી એ ભલે શ્રાપ હશે પણ ફુરસદ ન હોવી એ તો અભિશાપ છે.