________________
४०
પાછળ પડી ગયેલ કૂતરાથી છુટકારો મેળવવા, સામે આવી રહેલ વાઘ પર પસંદગી ઉતારી દેવામાં મોતના મુખમાં હોમાઈ જવાની બાબતમાં જો કોઈ જ શંકા રહેતી નથી તો દુઃખના ત્રાસથી બચવા આપણે જ્યારે દોષોના શરણે ચાલ્યા જઈએ છીએ ત્યારે દુર્ગતિના દસ્તાવેજ પર આપણી સહી થઈ રહી હોવાની બાબતમાં પણ લેશ શંકા રાખવાની જરૂર નથી. દુઃખો સહન કરી લેવાય પણ દુર્ગતિને શું સ્વીકારી લેવાય ?
જ્યારે જ્યારે પણ મારે કંઈક લખવાનું આવે છે ત્યારે એક બાબતનું હું ખાસ ધ્યાન રાખું છું કે વાક્ય લાંબું થઈ જતું લાગે કે તુર્ત જ હું પૂર્ણવિરામ ચિહ્ન મૂકી દઉં છું. વાક્ય પૂરું થઈ જાય છે.
પણ જેના પ્રત્યે મારા અંતરમાં વૈરભાવ છે એ વૈરભાવ લંબાતો ન રહે એ માટે હું ત્યાં ક્ષમાનું પૂર્ણવિરામ મૂકી દેવા હરગિજ તૈયાર થતો નથી. કરુણતા જ છે ને ?
४०