________________
ઘરના દરવાજા પર કે ઘરની દીવાલ પર લખાયેલ ‘લાભ-શુભ' નો અર્થ હું એમ સમજતો હતો કે જીવનમાં લાભ થતો રહે એ જ શુભ છે; પરંતુ આટલાં વરસો પછી આજે મને ખ્યાલ આવ્યો છે કે જીવનમાં જે પણ લાભ થતો રહે એનો શુભમાં ઉપયોગ કરતા રહેવું એ જ અર્થ છે “લાભ-શુભ'નો ! હા. ક્યાંક “શુભ-લાભ' લખાતું હોય તો એનો અર્થ પણ આ જ છે કે આ જીવનમાં જે પણ શુભ થતું હોય એ જ લાભ છે. બાકી અશુભ એ લાભ શેનું ?
એક વરસનું ૨૦૦૦ રૂપિયા જેટલું બજેટ જો હું મૂરખ બનવાનું રાખી દઉં તો મજૂરો સાથે, રિક્ષા ડ્રાઇવર સાથે, શાકવાળા સાથે બબે-પાંચ પાંચ રૂપિયા ખાતર ક્રોધ કરવાનું મારે જે બનતું રહે છે એ બધા પર પૂર્ણવિરામ મુકાઈ જાય તેમ છે. સામે ચડીને મૂરખ બનવા હું તૈયાર ખરો ?