________________
મારી આસપાસ ભલે ને ૫૦ શ્રીમંતો વસે છે, ભલે ને હું એમની ચસમપોશી કર્યા કરું છું, ભલે ને હું એમની ભાટાઈ કર્યા કરું છું, પણ હું પણ શ્રીમંત બની જ જઈશ એ નક્કી નથી.
જયારે ભલે ને હું એક જ મહાપુરુષના સંપર્કમાં આવું છું. મારા હૃદયમાં એમને બિરાજમાન કરી દઉં છું, એમની શક્ય સેવા-ઉપાસના કરું છું, હું ખુદ મહાપુરુષ બની જ જાઉં છું. શ્રીમંતો કરતાં મને મહાપુરુષો વધુ ગમે છે એનું આ જ તો રહસ્ય છે.
સૈનિક યુદ્ધના મેદાન પર બખ્તર જરૂર પહેરી રાખે છે. પરંતુ એ સૈનિક જ્યારે છાવણીમાં આવી જાય છે ત્યારે તો. બખ્તર ઉતારી જ નાખે છે. પણ મારી તો વાત જ ન્યારી છે. હું બજારમાં તો બુદ્ધિનું બખ્તર પહેરી જ રાખું છું પરંતુ રવજનો વચ્ચે હોઉં છું ત્યારે ય બુદ્ધિનું બખ્તર પહેરી જ રાખું છું !
કારણ ? હું જાતને ચાલાક માનું છું.