________________
‘પ્યારાં બાળકો, તમને સહુને આવકારતા હું અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યો છું. એક વાતનો ખુલાસો કરી દઉં કે તમારાં મમ્મી-પપ્પાઓને અત્રે ન બોલાવતા મેં તમને જ એટલા માટે બોલાવ્યા છે કે તમારાં પાઠ્યપુસ્તકોના કેટલાક પાઠો મેં વાંચ્યા પણ છે અને મને એ પાઠો ખૂબ ગમ્યા પણ છે. ‘મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. ઘી ખાય, દહીં ખાય, દૂધ તો ચપચપ ચાટી જાય’ આ પાઠ વાંચ્યો તો આના જેવો એક બીજો પાઠ પણ વાંચ્યો. ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં, ચાર કાબરા ને ચાર ભૂરિયા રે, હાલો ગલૂડિયાં રમાડવા જઈએ” મને એમ લાગ્યું કે આવું ભણી રહેલાં બાળકો પાસે જ સરળતા, નિર્દોષતા અને પવિત્રતાની મૂડી અકબંધ હોઈ શકે. બસ, આ ખ્યાલે મેં તમને જ અત્રે બોલાવ્યા છે. એટલું જ કહેવું છે મારે તમને કે તમે તમારા જીવનમાં ‘મહાન’ બનવાના લક્ષ્યને આંબવા જ પ્રયત્નશીલ બનજો. ‘મોટા’ બનવાનું લક્ષ્ય તમે રાખશો ય નહીં અને એ દિશા તરફ તમે કદમ પણ માંડશો નહીં. તમને મનમાં એ પ્રશ્ન ઊઠે કે ‘મહાન’ અને ‘મોટા બનેવા વચ્ચે ફરક શું છે, તો જવાબ એનો એ છે કે મોટા’ જ બનવા ઇચ્છનારો સતત બીજાઓને દબાવતો જ રહે છે યાવત મારતો રહે છે
જ્યારે ‘મહાન' બનવા ઇચ્છનારો પ્રાણના ભોગે ય સહુને સાચવતો રહે છે યાવતું બચાવતો રહે છે. તમે ખોટું ન લગાડશો પણ જોઈ લો તમારા પપ્પાઓને,