________________
બગલાની ચાંચમાં અચાનક ઝડપાઈ ગયેલ માછલી, બગલાની ચાંચમાંથી છટકી જવામાં સફળ તો બની ગઈ પણ એણે મગર પાસે જઈને ફરિયાદ કરી કે ‘તમે બગલાની ખોપરીને તપાસો. આવો વિશ્વાસઘાત કરવાનું એ શીખ્યો ક્યાંથી ?” મગરે તાત્કાલિક કાચબાઓનું પંચ બેસાડી બગલાની ધરપકડ કરાવી. કપ્તાન કાચબાએ બગલાને ‘રિમાન્ડ પર લીધો અને બગલાએ જે બયાન કર્યું એના બીજા દિવસના પેપરમાં જે સમાચાર આવ્યા એ વાંચીને તો સહુ સ્તબ્ધ થઈ ગયા. બયાન આપતા બગલો બોલ્યો કે ‘મારું ભણતર શહેરની કૉલેજમાં થયું. ત્યાં ભણી રહેલા યુવકોએ મને છેતરપીંડીના પાઠ શીખવ્યા. પછી હું એક સરકારી ઑફિસરને ત્યાં રહ્યો. છેતરપીંડીની બાબતમાં ત્યાં હું ગ્રેજ્યુએટ થયો અને પછી એક રાજનેતાને ત્યાં મારે રહેવાનું બન્યું. ત્યાં હું વિશ્વાસઘાતના ક્ષેત્રે M.B.A. થયો. આ વખતે મારી ચાંચમાંથી છટકી જવામાં માછલી ભલે સફળ બની પણ એવી ભૂલ ફરીવાર તો હું નહીં જ કરું.’