________________
‘છેલ્લા એક વરસથી તું શહેરમાં રહે છે. શહેરનો તારો અનુભવ શો છે ?' જંગલમાં આવેલા મીઠું મોરને ટોમી કૂતરાએ પૂછ્યું, ‘એક જ અનુભવ છે. માણસો મશીન બની રહ્યા છે એટલે ?' એટલે બીજું કાંઈ નહીં. આકાશમાં વાદળને જોયા બાદ હું ટહુક્યા વિના રહી શક્યો નથી. આંબાની ડાળ પર બેસવા મળ્યા પછી કોયલ પાગલ બની ગયા વિના રહી નથી. અરે, ચન્દ્રને જોયા બાદ સાગર પોતાનાં મોજાઓને ઉછાળ્યા વિના રહ્યો નથી પરંતુ માણસો સર્વથા સંવેદનહીન બની ગયા છે. બગીચો કે નદી, સરોવર કે સાગર, મેઘધનુષ્ય કે સૂર્ય વગેરે જોઈને તો એમને કાંઈ થતું નથી પરંતુ મંદિરમાં બિરાજમાન પરમાત્માની નયનરમ્ય પ્રતિમા જોયા બાદ પણ એમના હૈયામાં કોઈ સ્પંદનો ઊઠતા નથી. હું કાયમ માટે શહેર છોડીને જંગલમાં રહેવા આવી જવાનું વિચારી રહ્યો છું.