________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૩૧
અમેરિકાએ વિયેટનામને ખલાસ કર્યું, તેમાં તમને શા માટે આનંદ આવે? કોઈ શત્રુદેશ હોય, ત્યાં કાંઈ ખરાબ થાય તો તમને શું થાય? ‘આવું જ થવું જોઈતું હતું!’ આવી નિરર્થક અનુમોદના કરવાથી તમને શો લાભ? તમને કોઈ વડા પ્રધાન બનાવી દેશે? કોઈ સારૂં ઇનામ મળશે? ના. જો કદાચ ઇનામ મળવાનું હોય અને તમે પાપની અનુમોદના કરતા હોય, તો કદાચ માનીએ કે સ્વાર્થને વશ થઈને આ કર્યું; પણ જ્યાં કોઈ ઇનામ મળવાનું નથી, ત્યાં શા માટે પાપોની અનુમોદના? પાપોનો સર્વથા ત્યાગ કરવા માટે જ સાધુજીવન :
સાધુજીવનમાં આ પાંચ મહાપાપોનો મનથી, વચનથી, કાયાથી ત્રિવિધે ત્રિવિધે ત્યાગ કરવાનો હોય છે. દીક્ષા લેતી વખતે સંકલ્પ-(પ્રતિજ્ઞા) કરવાનો હોય છે કે ‘હું પાપ કરીશ નહીં, કરાવીશ નહીં, કરનારની અનુમોદના કરીશ નહીં', આ સંકલ્પ મનોમન નહીં પણ અરિહંત ભગવંતની સાક્ષીએ, સિદ્ધની સાક્ષીએ, સાધુઓની સાક્ષીએ, સમ્યગ્દષ્ટિ દેવોની સાક્ષીએ તથા સ્વયં આત્માની પૂર્ણ સંમતિથી પ્રતિજ્ઞા કરે, મહાવ્રત ધારણ કરે. ‘લીધેલાં મહાવ્રતને ધક્કો ન લાગે-કલંક ન લાગે’ તેનું ધ્યાન રાખે. અતિચાર ન લાગે, એનો ખ્યાલ રાખે.
કપડાં ધોયેલાં હોય, તેના પર ડાઘ લાગે તો ગંદાં થાય ને? તેમ જાણતાંઅજાણતાં કોઈ દોષનું સેવન થાય તો મહાવ્રતોને ડાઘ લાગે. મહાવ્રતોને અતિચારો ન લાગે, તેની સાવધાની રાખે.
મહાવ્રતોને ધારણ કરનારા આત્મા કેવા હોય? તેમનામાં સત્ત્વ મહાન હોય, મનોબળ દૃઢ હોય, પાપોનાં ગમે તેવાં પ્રલોભન આવે, તે પહેલાં પોતાનાં મહાવ્રત સંભાળે! પછી બીજી વાત કરે.
મહાવ્રત જ્યાં કલંકિત થતાં હોય, ભલે બીજી ત૨ફ ભૌતિક દૃષ્ટિથી-સ્થૂલ દૃષ્ટિથી સંસારના લાભ થતા હોય, મુનિને તે લાભ નહીં લાગે! જ્યાં લોકોપકારની વાત છે, ત્યાં જરૂ૨ સાધુ ઉપકાર કરે; તેમની ભાવના જીવોનું કલ્યાણ કરવાની હોય. તેમના દિલમાં જીવો પ્રત્યે દયા-અનુકંપા હોય, પણ જે કોઈ કામ કરવાનું હોય તે સાધુજીવનની મર્યાદામાં રહીને જ કરે. મર્યાદાનું ઉલ્લંધન ન કરે.
સાધુ પહેલાં સ્વયં સાધક, પછી પ્રભાવક. પહેલાં આચાર પછી પ્રચાર. પોતાની સાધુજીવનની સાધના સાચવીને પછી ધર્મનો પ્રચાર કરે, પણ પ્રચાર માટે પોતાની સાધનાના ક્ષેત્રમાંથી બહાર ન નીકળી જાય.
‘હવે યુગ પલટાયો છે. જમાનો બદલાયો છે, તો સાધુએ બદલાવું જોઈએ’. બદલાવું એટલે શું? સાધુએ સાધુપણું ત્યજી દેવું એ બદલાવું?
For Private And Personal Use Only