________________
વિષયુક્ત લાડવાથી ભૂખ શાંત થતી હોવા છતાં માણસ ભૂખ્યો રહેવા તૈયાર થઈ જાય છે પણ એ લાડવો પોતાના પેટમાં પધરાવવા તૈયાર થતો નથી કારણ ? એ લાડવાની આડઅસર એના ખ્યાલમાં હોય, છે. રોગને દૂર કરતી પણ ખરાબ આડઅસર ઊભી કરતી દવા લેવાથી ય માણસ બચતો રહે છે પરંતુ ક્રોધનું સેવન અસરકારક હોવા છતાં વિનાશક છે એ જાણવા-અનુભવવા છતાં ય માણસ જ્યારે ક્રોધનું સેવન કરતો જ જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
બુલબુલની અનુપસ્થિતિ છતાં કાગડો પોતાને જગતના ચોગાન વચ્ચે બુલબુલ તરીકે પ્રસ્થાપિત નથી જ કરતો. સિંહની ગેરહાજરી છતાં ગધેડો પોતાને જંગલના ચોગાનમાં સિંહ તરીકે પ્રસ્થાપિત નથી જ કરતો. આમ્રવૃક્ષના અભાવમાં લીમડો પોતાને ઉદ્યાનમાં લીમડા તરીકે જ પ્રસ્થાપિત કરે છે, આમ્રવૃક્ષ તરીકે નહીં જ પરંતુ સજ્જનની અનુપસ્થિતિમાં દુર્જન જ્યારે પોતાની જાતને સજ્જન માનીને જગતના ચોગાન વચ્ચે સર્જન તરીકે પ્રસ્થાપિત કરતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
માણસ ફૂલને ચૂંથીને લે છે, ફર્નિચર જોઈને ખરીદે છે, માટલું ટકોરો મારીને પસંદ કરે છે, કેરી ચાખીને પસંદ કરે છે, ડનલોપની ગાદી સ્પર્શીને લે છે, વીણા સાંભળીને ખરીદે છે, તબલું થપાટ મારીને પસંદ કરે છે, ફલૅટ આંખેથી બરાબર નિહાળીને પસંદ કરે છે; પરંતુ પૈસાની જ્યારે વાત આવે છે ત્યારે એ કશું જ જોયા-જાણ્યા-વિચાર્યા વિના એને પસંદ કરી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.