________________
હિમાલયના શિખરે ચડવું કઠિન હોવા છતાં માણસ એ પડકાર ઝીલી લેવા તત્પર છે. આઈ.એ.એસ.ની પરીક્ષા કઠિન હોવા છતાં વિદ્યાર્થી એ પડકાર ઝીલી લેવા તૈયાર છે. મંદીમાં ધંધો કરવો કઠિન હોવા છતાં વેપારી એ જોખમ ઉઠાવવા તૈયાર છે. ઑલિમ્પિકમાં સુવર્ણચન્દ્રક મેળવવો કઠિન હોવા છતાં ખેલાડી એ પડકાર ઝીલી લેવા તૈયાર છે પણ ધર્મ કરવાની વાત જ્યારે પણ આવે છે ત્યારે માણસ સરળ રસ્તો પકડવા જ જાય છે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
વિરાટ વડલો લીમડાના વૃક્ષને નાનું ‘દેખાડી’ દે છે. વિરાટકાય બંગલો લેંટને નાનો ‘દેખાડી' દે છે. તડબૂચ બોરને નાનું ‘દેખાડી’ દે છે. સોની નોટ રૂપિયાની નોટને નાની ‘દેખાડી' દે છે. બાલદી તપેલીને નાની દેખાડી દે છે. સાગર નદીને નાની ‘દેખાડી” દે છે અને દરવાજો બારીને નાની ‘દેખાડી’ દે છે પરંતુ ક્રોધ તો પ્રેમને નાનો કરી જ દે છે અને એ છતાં માણસ જ્યારે ક્રોધથી પાછો ફરવા તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
માણસ ઘડિયાળ અને ફર્નિચર ઊંચા ઇચ્છે છે. કપડાં અને ઘરેણાં ઊંચા ઇચ્છે છે, શાકભાજી અને ફળો ઊંચા ઇચ્છે છે, પેન્સિલ અને પેન ઊંચા ઇચ્છે છે, મેગેઝીન અને માસિક ઊંચા ઇચ્છે છે, સાબૂ અને દંતમંજન ઊંચા ઇચ્છે છે, લેપટોપ અને મોબાઈલ ઊંચા ઇચ્છે છે. અરે, સંપૂર્ણ જીવનધોરણ ઊંચું ઇચ્છે છે પરંતુ મન અધમ અને હલકું, તુચ્છ અને દરિદ્ર હોવા છતાં ય એનાથી જ્યારે એ અકળામણ નથી અનુભવતો ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.