________________
ગુંડાઓને હું ઘરમાં પ્રવેશવા દેતો નથી કારણ કે ઘર મારું છે. ઑફિસમાં બેકાર માણસોને હું ઘૂસવા દેતો નથી કારણ કે ઑફિસ મારી છે. ગોડાઉનમાં હું સડેલા માલને પ્રવેશવા દેતો નથી કારણ કે ગોડાઉન મારું છે' આવો દાવો કરી રહેલ માણસ જ્યારે ‘મારા મનમાં હું નથી ઇચ્છતો તો પણ હલકા વિચારો પ્રવેશી જ જાય છે’ એવા રોદણાં રડતો રહે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
કૂકર, ઘરઘંટી, હીટર, ગીઝર, વૉશિંગ મશીન, મોબાઈલ વગેરે સંખ્યાબંધ સાધનોને ઘરમાં-ઑફિસમાં અને જીવનમાં પ્રવેશ આપી દઈને સમય બચાવવામાં સફળ બની ગયેલ માણસ જ્યારે એ બચેલા સમયને ટી.વી., ઈન્ટરનેટ, વેબસાઈટ, કમ્યુટર, વિડીયો, હૉટલ, થિયેટર વગેરે શેતાનના ચરણે કોઈ પણ જાતના હિચકિચાટ વિના ધરી દે છે ત્યારે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
રાતના ઊંઘમાં પણ શ્વાસ કેવી રીતે ચાલે છે એનો જવાબ ન આપી શકતો માણસ, શરીરમાં લોહી ફરતું શી રીતે રહે છે એનો જવાબ ન આપી શકતો માણસ, રાતના સૂઈ ગયા પછી સવારના આપણને ઉઠાડે છે કોણ, એનો જવાબ ન આપી શકતો માણસ, જ્યારે પ્રભુ જેવી કોઈ ચીજ હોય તો મને તર્કથી સિદ્ધ કરી આપો’ એવી વાહિયાત દલીલ કરે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
/ /