________________
રંગરોગાન કરેલ દીવાલ ન બગડી જાય એની તકેદારી માણસ રાખે છે. સ્વચ્છ વસ્ત્રો બગડી ન જાય એની સાવધગીરી રાખવા માણસ તૈયાર છે. રાતની ઊંઘ ન બગડે એ અંગે ય માણસ સાવધ રહે છે. રૂપિયાની નોટ પર ડાઘ ન લાગી જાય એની ય માણસ તકેદારી રાખે છે પરંતુ અનંતકાળે મળેલ આ માનવજીવન અને અતિ કીમતી એવું મન પાપોમાં કે દોષોમાં ન બગડી જવા જોઈએ એવું માણસ જ્યારે વિચારતો ય નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૭૦
માણસ પિશ્ચર જોવા જાય છે ત્યાં ટિકિટના ભાવ ઘટાડવાની માથાફોડ કરતો નથી. હૉટલમાં જાય છે ત્યાં ડિશના ભાવ ઘટાડવા રકઝક કરતો નથી. હૉસ્પિટલમાં દાખલ થાય છે ત્યાં ઑપરેશનના ભાવ ઘટાડવા પ્રયત્નશીલ બનતો નથી. ટ્રેનમાં કે વિમાનમાં મુસાફરી કરે છે ત્યાં ટિકિટના ભાવ ઘટાડવા પ્રયત્નો કરતો નથી પણ મજૂરને જ્યારે સામાન ઉપાડવા આપે છે કે શાક લેવા જાય છે ત્યારે ભાવ ઘટાડવા જે તડાફડી કરે છે એ જોઈને સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
થાળીમાં સફેદ ભાત આવી ગયા પછી માણસ ‘ભોજન-વિરામ’ કરી દે છે. યુદ્ધના મેદાનમાં સફેદ ધજા ફરકી જાય છે પછી સેનાધિપતિ “યુદ્ધ વિરામ' કરી દે છે. અંતરમાં શુક્લધ્યાન લાગી ગયા પછી સાધક ‘કષાય વિરામ' કરી દે છે પરંતુ માથા પર સફેદ વાળ આવી ગયા પછી ય માણસ ‘ક્લેશ-વિરામ’ કરી દેવાને બદલે સફેદવાળને ‘કાળા’ કરી દેવાની ઘેલછાનો શિકાર બનતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.