________________
પેપરમાં જે કાંઈ છપાય છે માણસ, એને સાચું માની લેવા તૈયાર છે. મેગેઝીનોમાં જે કાંઈ છપાય છે એને ય સત્ય માની લેવા માણસ તૈયાર છે. ફરવા જવાના સ્થળે ત્યાંની દીવાલો પર જે કાંઈ લખાય છે એને સાચું માની લેવામાં ય માણસને કોઈ તકલીફ નથી. અરે, નનામી પત્રિકાના લખાણને ય સત્ય માનવા માણસ તૈયાર છે પણ શાસ્ત્રોમાં લખાયેલ પ્રભુવચનોને સત્ય માનવા જ્યારે એ તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૬૭
માણસ ઑફિસનું કે ફૅક્ટરીનું ઉદ્ઘાટન કરે છે ત્યારે આમંત્રિતોને જે કાર્ડ મોકલે છે એમાં લખે છે કે અમે નવી ઑફિસ ખોલી રહ્યા છીએ' દીકરાના લગ્નની પત્રિકા આમંત્રિતોને મોકલે છે ત્યારે એમાં છપાવે છે કે “અમારા સુપુત્ર રમેશના લગ્ન અમે નિરધાર્યા છે' પરંતુ ઘરમાં કોઈનું મોત થઈ જાય છે ત્યારે પરિચિતોને જે પત્ર મોકલે છે એમાં લખે છે કે ‘ભગવાનને જે ગમ્યું તે ખરું' જ્યારે આ વાંચવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
ગણિતના દાખલામાં થઈ જતી ભૂલ સુધરી જવી જોઈએ એવું વિદ્યાર્થી ઇચ્છે છે. રમતમાં થઈ જતી ભૂલ સુધરી જવી જોઈએ એવું ખેલાડી ઇચ્છે છે. ધંધામાં થઈ જતી ભૂલ સુધરી જવી જોઈએ એવું વેપારી ઇચ્છે છે. અધ્યાપનમાં થઈ જતી ભૂલ સુધરી જવી જોઈએ એમ શિક્ષક ઇચ્છે છે પણ જીવનમાં ઠેર ઠેર અને વારંવાર થઈ જતી ભૂલો સામા માણસે ભૂલી જવી જોઈએ એવું ઇચ્છતો માણસ જ્યારે જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.