________________
વેપારીએ અપમાન કરી દીધું હોવા છતાં વેપારી પાસે ઉઘરાણી માટે વારંવાર જતો માણસ, ઘરમાં પત્ની અપમાન કરતી હોવા છતાં પત્ની સાથે મીઠો સંબંધ જાળવી રાખવા મથતો માણસ, ઘરાકની ગાળો સાંભળવા છતાં ઘરાક સાથે મીઠી વાતો કરતો માણસ, ધર્મસ્થાનમાં એનું અપમાન, અગવણના કે તિરસ્કાર થતાવેંત જ્યારે ધર્મસ્થાનમાં આવવાનું બંધ કરી દે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
એક કરોડ રૂપિયા મારી પાસે થશે ત્યારે હું કેટલો બધો સુખી થઈ જઈશ ?' કરોડ રૂપિયા મારી પાસે ન હોવા છતાં કરોડની કલ્પનામાં હું સુખ અનુભવી રહ્યો હતો; પરંતુ સાચે જ જ્યારે મારી પાસે કરોડ રૂપિયા થઈ ગયા ત્યારે પેલી કલ્પનામાં અનુભવેલા સુખનું તો બાષ્પીભવન થઈ ગયું હતું. ‘કલ્પનામાં સુખ, અનુભવમાં દુઃખ’ જીવન દરમ્યાન વારંવાર અનુભવેલ આ વાસ્તવિકતા છતાં ય માણસ કલ્પનાના સુખથી જ્યારે પાછો ફરવા તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
કયૂટરમાં હું જે કાંઈ નાખું છું એની જ રિ-પ્રિન્ટ જ્યારે બહાર નીકળે છે ત્યારે એને સ્વીકારી લેવામાં હું કોઈ જ હિચકિચાટ કરતો નથી. જમીનમાં હું જેનું બીજ વાવું છું એ જ જ્યારે ઊગી નીકળે છે ત્યારે એને ય હું પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લઉં છું પણ મેં જ પોતે ભૂતકાળમાં આચરેલાં ગલત કાર્યોના ફળસ્વરૂપે જીવનમાં દુ:ખો જ્યારે આવે છે ત્યારે એને સ્વીકારી લેવા મારું મન તૈયાર થતું જ નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.