________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
પ્રશમરતિ
માટે આવાં સુખોની અભિલાષા ત્યજી દો. સંસારના બજારમાંથી સુખા ખરીદવાનું બંધ કરી દો. અનન્ત જન્મોમાં એ સુખો ખરીદીને, એ સુખો ભોગવીને......સરવાળે કંઈ જ મેળવ્યું નથી. મેળવ્યું છે નર્યું દુઃખ, માત્ર ત્રાસ અને કેવળ વિટંબણાઓ! હવે માર્ગ બદલો, દિશા બદલો.
હવે તમે એક અભિનવ બજારમાં ચાલો. એ છે આત્માનું બજાર! તમારી જ ભીતરમાં એ બજાર વસેલું છે. ત્યાં સુખ મળે છે....અપાર સુખ મળે છે. તે બધાં જ સુખોની ત્રણ વિશેષતાઓ હોય છે; તે સુખો :
નિત્ય હોય છે.
અભય હોય છે.
સ્વાધીન હોય છે!
એ સુખો તમને આંખોથી નહીં દેખાય. એ સુખો તમે જીભથી નહીં આસ્વાદી શકો. એ સુખોને તમે સ્પર્શથી નહીં માણી શકો, એ સુખો જેમ ઇન્દ્રિયાતીત છે તેમ એ અનુભવ પણ ઇન્દ્રિયાતીત છે. એ અનુભવ તમારું મન કરી શકશે! તમારો આત્મા કરી શકશે.
પહેલાં તમે ‘પ્રશમ’નું સુખ મેળવો. એ સુખ નિત્ય છે, અભયપ્રદ છે અને સ્વાધીન છે. પ્રશમભાવ....ઉપશમભાવને તમે એવો મેળવો.. મેળવીને એવો જાળવો કે એ જાય જ નહીં. એ ભાવ જ્યાં આત્મસાત્ થયો કે ત્યાં આત્મામાં સુખનો સાગર લહેરાયો સમો! ભયની ભૂતાવળ તો ભાગી જ સમજો. કોઈ ભય તમને ડરાવી નહીં શકે. તમે નિર્ભય બની જવાના અને બીજા જીવોને નિર્ભય બનાવી દેવાના!
પ્રશમભાવમાંથી પ્રગટતું સુખ ભોગવવામાં તમે સ્વાધીન છો. કોઈ પરાધીનતા નહીં રહેવાની, પ્રશમભાવમાંથી ક્ષમાનું સુખ, નમ્રતાનું સુખ, સરલતાનું સુખ અને નિર્લોભતાનું સુખ પ્રગટશે. પ્રશમભાવમાંથી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવનું સુખ પ્રગટશે. દુઃખી જીવો પ્રત્યે કરુણાનું સુખ જનમશે....ઉત્તમ આત્માઓ પ્રત્યે પ્રમોદ ભાવનું સુખ પેદા થશે.....આ બધાં સુખો તમે નિર્ભયતાથી ભોગવી શકશો, સ્વતંત્રપણે ભોગવી શકશો.
આ બધાં નિત્ય, અભય અને સ્વાધીન સુખો મેળવવા માટે નિરન્તર પ્રયાસ કરવાની પ્રેરણા ગ્રન્થકાર મહર્ષિ આપે છે. આપણે એ પ્રેરણાને ઝીલીએ અને મન-વચન-કાયાથી એ પ્રયાસ શરૂ કરી દઈએ. આ જીવનમાં એ પ્રયાસને થોડીણ સફળતા મળી જાય તો જીવન ધન્ય બની જાય!
For Private And Personal Use Only