________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૧૨૨
એ શીતળ વાયુનો સ્પર્શ થશે. એ સ્પર્શ થતાં જ તારા મનનો ઘામ-બફારો દૂર થઈ જશે. તું પ્રશમરસનો અનુભવ કરીશ.'
ગુરુના ઉપદેશને સરસ ચંદનની ઉપમા આપીને, ગ્રન્થકારે ગર્ભિત રીતે ગુરુજનોને પણ સુંદર માર્ગદર્શન આપ્યું છે. ‘તમારી વાણી ચંદન જેવી શીતળ જોઈએ.' આત્મસ્નેહથી છલોછલ વાણી શિષ્યના અંતરતમને સ્નિગ્ધ કરે છે, શિષ્યના મનોભાવોને ભક્તિભીના રાખે છે. ભક્તિભીના મનોભાવો ગુરુના ઉપદેશને ગ્રહણ કરી શકે છે અને આત્મસાત્ બનાવે છે. ક્યારેક ગુરુને પોતાની વાણીમાં ઉષ્ણતા લાવવી પડે, તો પણ તેઓનું હૃદય તો ચન્દનના વિલેપનથી શીતળ જ હોય. કઠોર શબ્દો માત્ર અભિનયના જ શબ્દો હોય!
રોજિંદા જીવનમાં ગુરુદેવની શીતળ વાણીના અમૃતલૂંટ પીનારા શિષ્યો, ક્યારેક ગુરુના ગરમ શબ્દોને સહી શકે છે, કારણ કે ગુરુના કરુણાભીના હૃદયની શિષ્યોની ઓળખાણ થઈ ગઈ હોય છે. ગુરુના અપાર વાત્સલ્યના સરોવરમાં નિત્ય સ્નાન કરનારો શિષ્ય ગુરુના ક્યારેક બોલાતા કઠોર શબ્દોની ‘ક્વિનાઈન’ ગળી શકે છે. ગુરુ-શિષ્યના સાપેક્ષ સંબંધોમાં ઉભયપક્ષે કેટલીક સાવધાનીઓ, કેટલીક તકેદારીઓ રાખવાનું માર્ગદર્શન પરમજ્ઞાની પુરુષોએ આપ્યું છે.
શાસ્ત્રજ્ઞાનની તીવ્ર ક્ષુધાથી વ્યાકુળ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ માન્ય કરવાનો જ, પૈસાની તીવ્ર તંગી અનુભવનારો ક્રૂર શેઠની પણ નોકરી નથી કરતો? એને પૈસા જોઈએ છે એટલે શેઠ પાસેથી એની અપેક્ષા માત્ર પૈસાની જ હોય છે, એ માટે શેઠનો કટુવ્યવહાર પણ સહન કરે છે, પરન્તુ એ પૂર્ણ રીતે વફાદાર અને સમર્પિત તો કોમળ વ્યવહારવાળા અને ઉદારતાને વરેલા શેઠને જ થઈ શકે છે. લોકોત્તર ધર્મમાર્ગે ચાલી રહેલા સાધકો તો ‘તિતિક્ષા’ ને પણ ‘આરાધના' જ માનતા હોય છે. કષ્ટોને સહવામાં તેઓ ‘કર્મનિર્જરા'નો લાભ જોતા હોય છે. છતાં જ્યારે એનાથી કષ્ટો સહન નથી થતાં ત્યારે એ આર્ત્તધ્યાનમાં ચાલ્યો જાય છે, વિકલ્પોની જાળમાં ફસાય છે. એવા વ્યાકુળ આત્માને ગ્રન્થકાર આશ્વાસન આપે છે. ગુરુતત્ત્વ પ્રત્યે સ્નેહ અને સદ્ભાવને અખંડ રાખનારી દિવ્ય દૃષ્ટિ આપે છે.
‘તારા પ્રત્યે ગુરુદેવને કરુણા છે, વાત્સલ્ય છે, માટે તનું હિતકારી વચનો કહે છે, તું તારી જાતને ધન્ય માન, જે જીવો પુણ્યશાળી નથી હોતા, તેઓ ગુરુનાં વચન તો શું, દર્શન પણ નથી પામી શકતા. જે લોકો દર્શન પામે છે, તે
For Private And Personal Use Only