________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
૧૧૬
આદર પામે છે! તમારું વિશાળ મિત્રમંડળ કેવી અપૂર્વ પ્રશંસા પામે છે! તમારી શ્રીમંતાઈ ઉપર કેવી દિવ્ય દુઆ ઊતરે છે! તમારી પ્રભુતા કેવી પૂજાય છે!
વિનય અને પ્રશમનો આ અવનવો જાદુ છે. દુનિયાના કોઈ મોટા જાદુગર આવો ચમત્કાર સર્જી શકતા નથી. શત્રુને પણ મિત્ર બનાવનાર વિનય છે, પ્રશમ છે. ઉજ્જડ, વેરાન બની ગયેલી જિંદગીને નવપલ્લવિત કરનાર વિનય છે, પ્રશમ છે. તૂટી ગયેલા, બગડી ગયેલા સંબંધોને જીવંત કરનાર વિનય છે, પ્રશમ છે. માટે કહું છું કે જીવનમાં વિનયને સ્થાન આપો, પ્રશમને પ્રવેશ આપો.
તમારા દ્વારે આવેલાઓને મધુર સ્વરે આદર આપો. બેસવા માટે આસન આપો. તેમનો ઉચિત સત્કાર કરો. શિષ્ટ ભાષામાં વાર્તાલાપ કરો. જો આવનારને તમારી સહાય જોઈએ છે, સહયોગ જોઈએ છે, તો તમારી શક્તિ મુજબ સહાય આપો, સહયોગ આપો. સહાય કે સહયોગ આપવાની તમારી ઇચ્છા ન હોય તો ન આપશો, પરંતુ અનાદર કે તિરસ્કાર તો ન જ કરશો.
જીવનસરિતાનાં પવિત્ર પાણી છે વિનયનાં, અને પ્રશમનાં. પાણી વિનાની સરિતા શોભતી નથી. સરિતામાં પાણી ન હોય તો હંસ ત્યાં ક્રીડા કરવા નહીં આવે! સારસ-સારસીનાં જોડલાં ત્યાં સ્વેચ્છાવિહાર કરતાં જોવા નહીં મળે! ચક્રવાક અને ચક્રવાકી....એક બીજાની ચાંચમાં ચાંચ પરોવી પ્રાયની અભિવ્યક્તિ કરતાં દૃષ્ટિગોચર નહીં થાય. પછી એવી ઉજ્જડ..... વેરાન નદીની શોભા શી? ભલે એ ‘સરિતા' કહેવાય, પરંતુ શોભારહિત, સૌન્દર્યરહિત!
જીવનસરિતામાં વિનય-પ્રશમનાં શાંત અને શીતળ પાણી ખળખળ વહેતાં હોય, એમાં બાલ, તરુણ, યુવાન અને વૃદ્ધ મનુષ્યો નિર્ભય, નિશ્ચિંત બનીને હસતાં, ખીલતાં હોય, થાકેલા-પાકેલા પથિકો એ સરિતાના કાંઠે વિસામો લઈ, ખોબે ખોબે અં શીતળ જળ પીતા હોય. રસિકજનો નાનકડી હોડીમાં બેસી એ સરિતાના શાંત જળપ્રવાહમાં સહેલ કરતા હોય... દૂર દૂરથી તમારી ‘જીવનસરિતા’ની કીર્તિ, પ્રશંસા સાંભળીને, હજારો, લાખો સ્ત્રીપુરુષો જીવનસરિતાના ઘાટે આવતાં હોય. આનંદ, ઉલ્લાસ અને અભિનવ ચૈતન્ય પામીને હરખાતાં હરખાતાં પાછાં વળતાં હોય....
આ છે તમારી શોભા. આ છે તમારી સુંદરતા. તમને ગમી ગઈને આ શોભા? તો તમે દૃઢ સંકલ્પ કરો વિનીત બનવાનો, પ્રશાન્ત બનવાનાં. શ્રદ્ધા રાખજો, તમે વિનીત અને પ્રશાન્ત બની શકશો. તમે ગૃહસ્થ છો કે સાધુ છો,
For Private And Personal Use Only