________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર-પરંપરાનું મૂળ
૯૧ કર્મમય છે! કારણ કે સમગ્ર સંસાર જીવમય છે! સંસારની એવી એક ઇંચ જેટલી.... એક દોરા જેટલી પણ જગા ખાલી નથી.. કે જ્યાં જીવ ન હોય! જીવ છે એટલે કર્મ લાગેલાં જ છે. સંસારની ચાર ગતિમાં રહેલા સર્વ જીવોને કર્મ ચાંટેલાં જ છે, માટે સંસાર કર્મમય છે!
આવો સંસાર જ સર્વ દુઃખોનું કારણ છે. શારીરિક અને માનસિક તમામ દુઃખોનું કારણ સંસાર છે. જીવ નરકમાં જાય છે માટે પરમાધામી દ્વારા અને ત્યાંના ક્ષેત્રથી થતી ઘોર પીડાઓ અનુભવે છે ને? આપણે નરકમાં નથી, માટે નરકની વેદના આપણને નથી. એવી જ રીતે જે જીવો પશુ-પક્ષીની તિર્યંચયોનિમાં છે તે જીવો તિર્યંચયોનિની પીડાઓ, અને દુ:ખો ભોગવે છે. મનુષ્યને એ પીડાઓ કેમ નથી ભોગવવી પડતી? કારણ કે તે તિર્યંચગતિના સંસારમાં નથી! આપણે મનુષ્ય ગતિમાં છીએ, માટે મનુષ્યજીવનનાં શારીરિક અને માનસિક દુ:ખ અનુભવીએ છીએ. દેવલોકના દેવોને પણ માનસિક દુ:ખ તો હોય જ! ભલે નહીંવત્ હોય.
આ વિધાન એક નવી જ તત્ત્વદૃષ્ટિ આપે છે. સંસારમાં સુખની શોધ કરવી છોડી દો! આ સંસારમાં ક્યાંય શુદ્ધ અને શાથત્ સુખો છે જ નહીં.' એવી જ રીત-“જ્યાં સુધી સંસારની ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં તમે જીવો છો, ત્યાં સુધી શારીરિક કે માનસિક દુ:ખ રહેવાનાં જ! સંસારમાં દુઃખો સાથે જ જીવવાનું છે.' માટે દુઃખોથી ગભરાઈને ગતિઓની ગલીઓમાં ભરાઈ જવા દોડધામ ન કરો. ચાર ગતિઓની ગલીઓમાં ક્યાંય દુઃખરહિત સ્થાન નથી!
જ્યાં જશો ત્યાં એક નહીં તો બીજું દુઃખ તૈયાર જ હોય છે. એકરૂપે નહીં, બીજારૂપે! બદલાતાં દુઃખોમાં થોડું આશ્વાસન લઈએ કે “પેલા દુઃખ કરતાં આ દુ:ખ સહેવું સારું,’ એ વાત જુદી છે. ક્યાંક શરીરનાં દુઃખ વધારે તો ક્યાંક મનનાં દુઃખ ઝાઝાં.... સંપૂર્ણ સંસાર કર્મમય છે..... કર્મમય સંસાર દુ:ખોનું અસાધારણ કારણ છે.
સંસારની આ ચાર ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિમાં જીવો પરિભ્રમણ કરી રહ્યા છે. જન્મે છે, જીવે છે, મરે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં.... એક જીવ મનુષ્યરૂપે છે, મરીને તે પશુરૂપે જન્મે છે, દેવરૂપે જન્મે છે, નારકરૂપે જન્મે છે અને મનુષ્યરૂપે પણ જન્મે છે. જન્મ, જીવન અને મૃત્યુની આ અન્તહીન હારમાળા ચાલી રહી છે. કોણ છે આ ભવપરંપરાનું મૂળભૂત કારણ? કોણ જીવોને ભટકાવી રહ્યું છે આ ચાર ગતિરૂપ સંસારમાં?
For Private And Personal Use Only