________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું | ઋષિકુમારે આરતી તૈયાર કરી અને મારા હાથમાં આપી... મેં ભક્તિપૂર્ણ હૃદયે પરમાત્માની આરતી ઉતારી, મારું હૃદય આનંદથી છલકાવા લાગ્યું..... ઋષિદત્તા સાથે હું આરતી ઉતારતો હતો, ત્યારે મને આવા જ આનંદનો અનુભવ થતો હતો. મારી સ્મૃતિમાં ઝબકારો થયો ને એ ઝબકારામાંથી ઋષિદત્તાની આકૃતિ ઊપસી આવી. મેં ઋષિદત્તાને પરમાત્માના ચરણે નમન કરતી જોઈ!
ચાલો રાજકુમાર, આપણે હવે આશ્રમમાં જઈએ.” ઋષિકુમારના શબ્દોએ મને સ્વપ્નલોકમાંથી બહાર કાઢ્યો. અમે પુનઃ પરમાત્માને પ્રણામ કર્યા અને મંદિરની બહાર આવ્યા. સોપાનપંક્તિ ઊતરીને પ્રણામ કર્યા અને મંદિરની બહાર ઊભા રહ્યા.... ક્ષણભર અમે બંને મૌન રહ્યા.
આજે તમે મારી સાથે મારી કુટિરમાં આવશો?' ઋષિકુમારને બે હાથ જોડી નતમસ્તકે વિનંતી કરી.
કેમ? શા માટે?”
મારે તમારી સાથે ઘણી વાતો કરવી છે. આજની રાત તમે મારી સાથે જ વિતાવો, એવી મારી ઇચ્છા છે.' ઋષિકુમારની સામે જોયું. રાત્રિનો અંધકાર ગાઢ થતો જતો હતો, નજીકના મારા પડાવની બહારની મશાલોનો ઝાંખો ઝાંખો પ્રકાશ આશ્રમમાં આવતો હતો.
ચાલો કુમાર, હું તમારો આગ્રહ ટાળી શકતો નથી.' મને ખૂબ હર્ષ થયો. ઋષિકુમારને ભેટી પડવાનું મન થઈ ગયું. પણ મર્યાદાના બંધને મને વાર્યો. ગમે તેમ તોય એ ત્યાગી પુરુષ હતા અને હું ભોગી પુરુષ હતો. એ ઋષિ હતા, હું સંસારી જીવાત્મા હતો. મારા પ્રેમના અતિરેકમાં ઔચિત્યભંગ ન થઈ જાય, એની મને જાગૃતિ હતી.
અમે બંને મારી પર્ણકુટિરમાં આવ્યા. પ્રહરીઓએ અમને નમન કર્યું અને તેઓ કુટિરથી થોડે દૂર જઈને એમના નિયત સ્થાને ઊભા રહી ગયા. મેં ઋષિકુમારને દુગ્ધપાન કરવા પ્રાર્થના કરી, પરંતુ તેમણે કહ્યું :
“હું રાત્રિના સમયે ભોજન નથી કરતો. દુગ્ધપાન પણ નથી કરતો, જલપાન પણ નથી કરતો.” બહુ સહજ ભાવે તેમણે કહ્યું. મેં પણ દુગ્ધપાન કરવાનું માંડી વાળ્યું. પાણી પી લીધું અને અમે બંને એક જ કાષ્ઠાસન પર બેઠા. મેં કાષ્ઠાસન પહેલેથી જ મારી કુટિરમાં ગોઠવેલું હતું. કુટિરમાં બે સુંદર દીપકોનો પ્રકાશ પથરાયેલો હતો.
For Private And Personal Use Only